શેરબજારમાં ફૂલગુલાબી વસંત પંચમીઃ સેન્સેક્સનો ૩૯૦ પોઈન્ટનો જમ્પ

અમદાવાદ, ગુરુવાર
ગઇ કાલે સેન્સેક્સે ૩૫,૦૦૦ની સપાટી ક્રોસ કર્યા બાદ આજે પણ તેજીની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે જ શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં સેન્સેક્સ ૩૯૨ પોઇન્ટના ઉછાળે ૩૫,૪૭૩ની સપાટીએ જોવા મળ્યો હતો. નિફ્ટી પણ રેકોર્ડ બ્રેક ૧૦,૮૮૭ની સપાટીએ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ૦.૫૦થી ૦.૭૦ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

બેન્કોમાં એફડીઆઇની છૂટના પગલે ખાનગી સહિત જાહેર ક્ષેત્રની મોટા ભાગની બેન્કના શેરમાં ઉછાળો નોંધાયો હતો. ઓટોમોબાઇલ, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, પાવર અને રિયલ્ટી કંપનીના શેરમાં આગેકૂચ જારી રહી હતી. આજે શરૂઆતે યસ બેન્ક, એચડીએફસી બેન્ક, એસબીઆઇ, એક્સિસ બેન્કના શેરમાં એકથી ત્રણ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

શેરબજારમાં ઉછાળાનાં કારણો
• વિદેશી શેરબજારમાં નોંધાયેલી જોરદાર તેજી • વિદેશી રોકાણકારોનું ચાલુ રહેલું રોકાણ • સરકારની આર્થિક સુધારા તરફી નીતિ • બેન્કોમાં એફડીઆઇમાં રાહતની શક્યતા • સામાન્ય બજેટમાં મોટા આર્થિક સુધારાની સંભાવના

રોકાણકારોની સંપત્તિમાં ૯૬ હજાર કરોડનો ઉમેરો
શેરબજારમાં તેજીની ચાલ નોંધાઇ છે. સેન્સેક્સ ૩૫,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૩૫,૪૦૦ પોઇન્ટની નવી ઊંચાઇએ આજે જોવા મળ્યો હતો, જેના પગલે બીએસઇની માર્કેટ કેપમાં પણ ૯૬ હજાર કરોડનો ઉમેરો થયો છે. બીએસઇની માર્કેટ કેપ વધીને રૂ. ૧,૫૫,૭૩,૬૬૧ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે.

‘એ’ ગ્રૂપની આ કંપનીના શેર ઊછળ્યા
માઈન્ડ ટ્રી –  ૭.૭૬ ટકા
ફર્સ્ટ સોર્સ સોલ્યુ.  –  ૬.૯૪ ટકા
જ્યુબિલન્ટ લાઇફ   –  ૪.૮૫ ટકા
રેડીકો ખેતાન   –  ૪.૨૬ ટકા
દેના બેન્ક –  ૩.૫૨ ટકા
બજાજ ઈલેક્ટ્રિકલ –  ૩.૩૫ ટકા

You might also like