આસ્ટોડિયા BRTS કોરિડોરમાં ત્રણ દિવસથી એક ટ્રેક બંધ

અમદાવાદ: કોર્પોરેશનના મેયર, કમિશનર સહિતના ઉચ્ચ હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓથી ધમધમતા મુખ્યાલયની સામેના આસ્ટોડિયા રોડનો પિકઅવર્સનો ટ્રાફિક ભલભલા વાહનચાલકને અકળાવી દેનારો છે, તેમાં પણ આસ્ટોડિયા રોડ બીઆરટીએસ કોરિડોરના કારણે સાંકડો બન્યો હોઇ શહેરના હાકેમોની ગાડી ટ્રાફિક જામમાં અવારનવાર અટવાઇ જાય છે. આવા સંજોગોમાં બીઆરટીએસ કોરિડોરનો ગીતામંદિર, સારંગપુર તરફ જનારો ટ્રેક ત્રણ-ત્રણ દિવસથી એક ખાડાના કારણે તંત્ર દ્વારા બંધ કરાતાં વાહનચાલકો રાડ પાડી ઊઠ્યા છે.

આસ્ટોડિયા રોડની ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે, તેમાં પણ બીઆરટીએસ કોરિડોરમાં સંખ્યાબંધ એએમટીએસની બસ દોડાવાતાં કોરિડોરની બે‌િરકેડ કે દોરડાવાળી સિક્યોરિટી જળવાતી નથી. એએમટીએસ બસની પાછળ પાછળ ખાનગી વાહનો પણ કો‌િરડોરમાં ઘૂસી જાય છે. પરિણામે કોરિડોરમાં પણ અવારનવાર ટ્રાફિક જામ થાય છે, જોકે છેલ્લા ત્રણ દિવસથી તંત્રની ઘોર બેદરકારીથી ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે.

શનિવારની સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશન બીઆરટીએસ બસ સ્ટેન્ડની સાવ નજીક કોરિડોરમાંથી પસાર થતી પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થયું હતું. આ લીકેજનું રિપેરિંગ કામ મધ્ય ઝોનના ઇજનેર વિભાગે હાથ ધર્યા બાદ સમસ્યા હળવી થવાના બદલે વધુ વકરી છે, કેમ કે કોન્ટ્રાકટના માણસો કામગીરી દરમિયાન પડેલા ખાડાનું પુરાણ કર્યા વગર જતા રહ્યા છે, જેના કારણે રવિવારની સવારથી આખો ટ્રેક બસની અવરજવર માટે બંધ કરાયો છે.

આ અંગે બીઆરટીએસના ડેપ્યુટી જનરલ મેનેજર મૂકેશ પટેલને પૂછતાં તેઓ કહે છે, “આ બંધ ટ્રેક ક્યારે શરૂ થશે તેની ઝોનવાળાને ખબર! અમને મધ્ય ઝોન તરફથી કોઇ સૂચના મળી નથી!” જ્યારે મધ્ય ઝોનના ઇજનેર વિભાગના વડા અમિત પટેલે મંગળવારની સાંજ સુધીમાં ખાડાનું પુરાણ થઇ જશે તેવું આશ્વાસન આપતાં વધુમાં જણાવ્યું હતું કે અન્ય લીકેજિસ શોધવા માટે ખાડો ખુલ્લો રખાયો છે, જોકે આજે સવારે પણ ખાડાનું પુરાણ ન કરાતાં ટ્રેક બંધ હાલતમાં છે.
http://sambhaavnews.com/

You might also like