BRTS ટ્રેકમાં વૃદ્ધને ટક્કર મારતાં લોકોએ ડ્રાઈવરને માર મારી કાર ઊંધી વાળી દીધી

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં અાજે સવારે બીઅારટીએસ ટ્રેકમાં એક કારચાલકે રોડ ક્રોસ કરતાં વૃદ્ધને અડફેટે લીધા હતા. અા ગંભીર અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી લઈ માર માર્યો હતો અને કારને બીઅારટીએસ ટ્રેકમાં જ ઊંધી વાળી દીધી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી અાવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ નારણપુરા જયમંગલ બીઅારટીએસ ટ્રેકમાં મારુતિ સ્વીફ્ટ કાર જેના પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું તે પૂરપાટ ઝડપે જઈ રહી હતી. દરમિયાનમાં એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તેઓને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ૧૫થી ૨૦ મિનિટ મોડી પહોંચી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. લોકોએ કાર ચાલકને ઝડપી લઈ ઢોર માર માર્યો હતો અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી અાવી હતી. નારણપુરા પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like