બીઆરટીએસ ટ્રેકમાં રિક્ષા ચાલકે વિદ્યાર્થીને હડફેટમાં લીધો

અમદાવાદ: ઠક્કર નગર બીઆરટીએસ ટ્રેકમાં પુરઝડપે પસાર થઇ રહેલા રિક્ષા ચાલકે 6 વર્ષના વિદ્યાર્થીને હડફેટમાં તેને માથાના ભાગે ઇજા પહોંચી છે. અકસ્માત કર્યા બાદ રિક્ષા ચાલક વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. જોકે વિદ્યાર્થીની સારવાર ચાલતી હતી તે સમયે રિક્ષા ચાલક હોસ્પિટલથી નાસી છુટ્યો હતો.

બાપુનગર પ્રતીક ટેનામેન્ટ પાસે આવેલ અગ્રવાલ પ્રતીક શાક માર્કેટ મકાન નંબર 766 માં રહેતા હેમંત જગદીશભાઇ અગ્રવાલે રિક્ષા ચાલક વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હેમંત અગ્રવાલનો 6 વર્ષનો ભત્રીજો નાના ચિલોડા ખાતે આવેલ આધાર સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઠક્કરનગર બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસેથી સ્કૂલ બસ વિવેકને પિકઅપ અને ડ્રોપ કરી જાય છે. બે દિવસ પહેલાં વિવેક સ્કૂલથી આવ્યો ત્યારે તેના કાકા હેમંતભાઇ તેને લેવા માટે બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસે ઊભા હતા.

બંને જણા બીઆરટીએસ રોડ ક્રોસ કરતા હતા તે સમયે બીઆરટીએસ ટ્રેક પર પુરઝડપે આવતી રિક્ષા ચાલકે વિવેકને હડફેટમાં લઇને ફરાર થઇ ગયો હતો. તે રિક્ષા ચાલક થોડેક દૂર જઇને પરત વિવેક પાસે આવ્યો હતો અને મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી આપવાનું કહીને ઇજાગ્રસ્ત વિવેક અને તેના કાકાને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. તબીબોએ વિવેકની ટ્રીટમેન્ટ શરૂ કરી ત્યારે થોડાક સમય પછી ચાલક હોસ્પિટલનું બિલ ચુકવ્યા વગર રફ્ફુચક્કર થઇ ગયો હતો. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે.

http://sambhaavnews.com/

You might also like