ખમાસા ચાર રસ્તા નજીક BRTS ટ્રેકમાં કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો

અમદાવાદ: શહેરના ખમાસા ચાર રસ્તા પાસે બીઆરટીએસ ટ્રેકમાં ગત રાત્રે સ્વિફ્ટ કાર અને એક્સેસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્સેસચાલક અને અન્ય એક સગીરને ઇજાઓ થઇ હતી. પોલીસ તપાસમાં કારનું ટાયર ફાટવાથી કારચાલકે પોતાની કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર અકસ્માત સર્જીને પલટી ગઇ હતી. અકસ્માત બાદ ભેગા થયેલા ટોળાએ કારચાલક અને કારમાં બેઠેલા યુવક તેમજ એક ખાનગી ચેનલના પત્રકારને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલનો ગુનો નોંધ્યો છે, જ્યારે એક્સેસ ચલાવનાર કિશોરના પિતાની વિરુદ્ધમાં પણ એમવી એક્ટ મુજબ સગીર વયની વ્યક્તિને વાહન ચલાવવા આપવા બદલ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

જમાલપુર મદિનાચોક પાસે રહેતા મહંમદ ઇદરીશભાઇનો પુત્ર યામીન કુડાવાલા (ઉં.વ. ૧૬) અને અમદ કુડાવાલા (ઉં.વ. ૧૪) એક્સેસ લઇ ગત રાત્રે ખમાસા ચાર રસ્તા નજીક બીઆરટીએસ ટ્રેકમાં જઇ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારનું ટાયર અચાનક ફાટ્યું હતું અને કાર એક્સેસ સાથે ટકરાઇ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો અકસ્માત બાદ લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં અને બંને કિશોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, અકસ્માત સર્જનાર કારચાલકનું નામ મનીષ સોનકર (રહે. છત્તીસગઢ) અને વિશાલ દંડ (રહે. શાહીબાગ) હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like