બીઅારટીઅેસના સાતસો ટિકિટિંગ સ્ટાફનું ભવિષ્ય અંધકારમય

અમદાવાદ: એક તરફ બીઆરટીએસના સત્તાવાળાઓએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપ અને કોંગ્રેસના નેતા સહિતના પંદર પદાધિકારીઓને તંત્ર દ્વારા ફાળવાયેલી આલિશાન કાર હોવા છતાં બીઆરટીએસમાં મફત મુસાફરી કરવાના પાસની લહાણી કરી છે. શહેરના તમામ ૧૯ર કોર્પોરેટરોને મફત પાસનો લહાવો અપાયો છે, જ્યારે બીજી તરફ બીઆરટીએસને દૈનિક રૂ.૧૮ લાખનો વકરો રળી આપનાર સાતસો જેટલા ટિકિટિંગ સ્ટાફનું ભવિષ્ય અંધારમય બન્યું છે.

વાયએમજીએમવીએ પોતાના સાતસો બુકિંગ સ્ટાફના પગારમાંથી કપાતા પીએફ, ઇએસઆઇએલ તથા પગાર-બોનસ ચૂકવવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે, જેના કારણે બુકિંગ સ્ટાફ દ્વારા બીઆરટીએસના ઓપરેશન વિભાગના જનરલ મેનેજર અને ડેપ્યુટીને અવારનવાર લેખિતમાં આ કોન્ટ્રાક્ટની જમા બેન્ક ગેરન્ટી તથા હિસાબ પેટે નીકળતાં નાણાંમાંથી નાણાં કાપીને કર્મચારીઓને ચૂકવવાની ઉગ્ર રજૂઆત કરાઇ હતી. તેમ છતાં આ બન્ને ઉચ્ચ અધિકારીઓએ પ્રિન્સિપાલ એમ્પ્લોયર તરીકેની જવાબદારી નિભાવવાની દરકાર સેવી ન હતી તેવા આક્ષેપ કરતાં ટિકિટિંગ સ્ટાફનાં સૂત્રો વધુમાં કહે છે, ખાનપુર ખાતેની નાયબ શ્રમ આયુકતની કચેરીમાં પણ આ અંગે લેખિત રજૂઆત કરાઇ હોવા છતાં શ્રમિકોના થતા શોષણને અટકાવવાના દાવા કરતી શ્રમ આયુક્તની કચેરીએ પણ કોઇ દરમ્યાનગીરી કરી નથી.

તા.૧ ડિસેમ્બર, ર૦૧૬થી જૂના કોન્ટ્રાક્ટરની અનેક પ્રકારની ગેરરિતીઓ પ્રકાશમાં આવતાં તંત્રે નવા કોન્ટ્રાક્ટરને કામકાજ સોંપ્યું છે, પરંતુ જે કંપની સામે કાંકરિયા લેકફ્રન્ટના ટેન્ડરમાં તાજેતરમાં ગોલમાલ કરવાના આક્ષેપ ઊઠ્યા છે તેવી સમીર એન્ડ શાહ કંપની અને એજીસી ઇન્ફોટેક એમ આ બન્ને નવા કોન્ટ્રાક્ટરોએ ડિસેમ્બર મહિનો પૂર્ણ થવાનો છે તેમ છતાં ટિકિટિંગ સ્ટાફ સાથે નવા કોન્ટ્રાક્ટ કર્યા નથી.

આ તો ઠીક, નવા કોન્ટક્ટરોએ દમનકારી નીતિ અપનાવીને પગાર-પીએફ સાથે છેડછાડ કરી હોવાની ચર્ચા ઊઠી છે, જોકે રોષે ભરાયેલા ટિકિટિંગ સ્ટાફે નવા પગારની ચિઠ્ઠી પણ બતાડવા નવા કોન્ટ્રાક્ટરો તૈયાર થતા નથી. આ સંજોગોમાં બીઆરટીએસ તંત્ર રાબેતા મુજબ (જૂના બાદ હવે) નવા કોન્ટ્રાક્ટરોને થાબડવા લાગ્યા હોઇ ટિકિટિંગ સ્ટાફની અવગણના કરી રહ્યા છે. આ અંગે બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીને પૂછતાં તેઓ કહે છે જૂના કોન્ટ્રાક્ટરના એમડી સાથે બેઠક કરીને ટિકિટિંગ સ્ટાફની લેણી રકમ-બોનસ ચૂકવવાની તાકીદ કરાઇ છે, જ્યારે નવા કોન્ટ્રાક્ટર અંગે કોઇ સત્તાવાર ફરિયાદ હજુ સુધી તંત્રને મળી નથી.
http://sambhaavnews.com/

You might also like