BRTSનાં ધાંધિયાંઃ ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને સ્માર્ટકાર્ડ ક્યારે મળશે?

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છાસવારે સ્માર્ટસિટીનાં બણગાં ફૂંકી રહ્યા છે. શહેરને સ્માર્ટસિટી બનાવવા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટીએસમાં આઇટીએમએસ પ્રોજેકટ હાથ ધરાયો છે. ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ જેવું રૂડુંરૂપાળું નામ ધરાવતો આ પ્રોજેકટ સદંતર ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે, જેના કારણે બીઆરટીએસના દૈનિક ૧.૪૦ લાખ ઉતારુઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમાં પણ ખાસ કરીને બીઆરટીએસના સ્માર્ટકાર્ડનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને નવું સ્માર્ટકાર્ડ મેળવવાને લગતી ૧પ હજારથી વધુ અરજીનો ભરાવો થઇ ગયો છે પરંતુ નવા સ્માર્ટકાર્ડનાં વિતરણનાં કોઇ ઠામ ઠેકાણાં પડ્યાં નથી.

બીઆરટીએસના સત્તાવાળાઓનાં ધાંધિયાંથી આઇટીએમએસ પ્રોજેકટ રઝળી પડ્યો છે. આઇટીએમએસ પ્રોજેકટ હેઠળ બીઆરટીએસના તમામ બસ સ્ટેન્ડને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવાની કામગીરી ધીમી ચાલે છે. સ્માર્ટકાર્ડ ધારકો માટેની ટર્નસ્ટાઇલ સિસ્ટમ, બસરૂટ નંબર અને સમય દર્શાવતી બંને તરફના એલઇડી સ્ક્રીનને બદલે બસ સ્ટેન્ડની વચ્ચોવચ મોટા ટીવી સ્ક્રીન મૂકવાની કામગીરીમાં પણ ઝડપ નથી. અગાઉ વયમ જીએમવી કંપની પાસે આ કામગીરીનો હવાલો હતો. જેમાં અનેક ધાંધિયાં થવાથી સત્તાવાળાઓએ નવી ગિલ્લી નવો દાવ શરૂ કર્યો છે.

તેમ છતાં છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓને નવાં સ્માર્ટકાર્ડ અપાતાં નથી. આના બદલે જે તે બસ સ્ટેશન પરથી ફક્ત પાંચ રૂપિયાનાં ફોર્મ અપાઇ રહ્યાં છે એક અંદાજ પ્રમાણે તંત્ર સમક્ષ આશરે ૧પ૦૦૦ નવાં ફોર્મનો ભરાવો થયો છે. હવે આગામી તા.૧ ઓકેટોબરથી તા.૩૧ ડિસેમ્બર સુધીનું નવું ક્વાર્ટર શરૂ થશે પરંતુ નવાં સ્માર્ટકાર્ડ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થવાના નથી.

સ્માર્ટકાર્ડધારક નાગરિકોને પણ જે તે બસ સ્ટેશન પર ફલેપ બેરિયર્સ કે ટર્નસ્ટાઇલ ન હોઇ બસ સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ કરતી વખતે સ્માર્ટકાર્ડ તેને અડાડીને આવવા-જવાને બદલે જે તે બસ સ્ટેશનની ટિકિટબારી પરના ઓપરેટરને સ્માર્ટકાર્ડ આપીને એન્ટ્રી અને એકઝિટ કરવા માટે રીતસર કરગરવું પડે છે જૂનાં સ્માર્ટકાર્ડ ચોરાઇ જાય કે ખોવાઇ જાય તો પણ નવા મળતાં નથી. આ અંગે બીઆરટીએસના ઓપરેશન વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી જનરલ મેનેજર મૂકેશ પટેલનો સંપર્ક કરતાં તેઓ કહે છે સ્માર્ટ કાર્ડની અરજીનો ભરાવા સહિતની બાબતની તપાસ કરાવાશે, કેમ કે અત્યારે મારી પાસે પૂરેપૂરી વિગત નથી.

You might also like