સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

728_90

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ સમગ્ર દેશની બેસ્ટ સર્વિસ તરીકે ઓળખાવીને તેને સફળ પ્રોજેકટ જાહેર કર્યો હતો, પરંતુ જે પેસેન્જર્સ બીઆરટીએસ સર્વિસમાં મુસાફરી કરે છે અને જે વાહનચાલકો બીઆરટીએસ કોરિડોર સંલગ્ન ચાર રરતા કે સર્કલ પાસેથી પસાર થાય છે તેમને વારંવાર કડવા અનુભવ થતા હોઇ લોકોમાં બીઆરટીએસ સર્વિસની પ્રતિષ્ઠા અગાઉની જેમ જળવાઈ નથી, જોકે તંત્ર બીઆરટીએસ સર્વિસમાં ઇલે‌િકટ્રક બસ દોડતી કરવા જેવા નુસખા અજમાવીને તેને લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ બીઆરટીએસના સત્તાવાળાઓ ‘સ્માર્ટકાર્ડ’ (જનમિત્રકાર્ડ) જેવી સાદી સુવિધાના મામલે પણ પેસેન્જર્સને સંતોષ આપવામાં નિષ્ફળ નિવડ્યા હોઇ રપ,૦૦૦થી વધુ સ્માર્ટકાર્ડધારકો માટે આ સ્માર્ટકાર્ડ ‘ટ્રબલકાર્ડ’ બની રહ્યાં છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ બીઆરટીએસ સર્વિસને વધુ લોકાભિમુખ કરવા માટે સત્તાવાળાઓ લાખો રૂપિયાના ખર્ચે નવી પચાસ ઇલે‌િક્ટ્રક બસ જે તે બસ સ્ટેશન પર એએનવીપી કેમેરા, ‌િસ્ટ્રંગ ગેટ વગેરે નવા પ્રોજેક્ટને એક અથવા બીજા તબક્કામાં અમલમાં મૂકી રહ્યા છે.

અગાઉ વધુ ને વધુ પેેસેન્જર્સ સ્માર્ટકાર્ડ એટલે કે જનમિત્રકાર્ડ લેવા પ્રેરાય તે આશયે ગત તા.૧ સપ્ટેમ્બરથી તા.૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પેસેન્જર્સને રૂ.પ૦ અને રૂ.૭પની ‌િંકમત ધરાવતાં પર્સનલાઈઝડ કાર્ડ અને નોન પર્સનલાઈઝડ કાર્ડ મફત આપવાની તંત્રે જાહેરાત કરી હતી, જોકે શરૂઆતના ૧પ દિવસ પેસેન્જર્સ માટે મશ્કરીરૂપ જ બન્યા હતા, કેમ કે જનમિત્રકાર્ડ કે સ્માર્ટકાર્ડ તૈયાર કરાવનાર આઇસીઆઇસીઆઇ બેન્કની મોટા ભાગની શાખામાં તે પહોંચ્યાં જ ન હતાં તેમજ સિવિલ સેન્ટરનાં ‘ઇઝી પે મશીન’ ચાલતાં જ ન હતાં, જોકે પાછળથી તંત્રને ફ્રી સ્માર્ટકાર્ડ યોજનાની મુદતમાં વધારો કરવાની ફરજ પડી હતી.

જોકે સ્માર્ટકાર્ડધારક પેસેન્જર્સ સ્માર્ટકાર્ડ લઇને પણ છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. જે તે બસસ્ટેશન પરનાં સ્માર્ટકાર્ડને સ્વાઇપ કરવાનાં પોલ વેલિડેટર મશીન ખામીયુક્ત બન્યાં છે. પેસેન્જર્સનાં સ્માર્ટકાર્ડ જો મુસાફરી શરૂ કરતાં પહેલાં આ મશીનમાં એન્ટ્રી બાજુથી સ્વાઇપ થઇ જાય તો જે બસ સ્ટેશને મુસાફરી પૂરી કરવાની થતી હોય ત્યાં મૂકેલા મશીનની એક્ઝિટ બાજુથી સ્માર્ટકાર્ડ એક્ઝિટ થઇ શકતાં નથી.

ઉદાહરણ તરીકે નરોડામાં એન્ટ્રી લઇને અંજ‌િલ બસ સ્ટેશન પર ‘એક્ઝિટ’ લેેતી વખતે પેસેન્જર્સના સ્માર્ટકાર્ડના બેલેન્સમાંથી રૂ.રર કપાઇ જતા નથી. આનું કારણ પેસેન્જર્સની પૂછપરછમાં બસ સ્ટેશનની કેબિનનો સ્ટાફ સર્વર કે નેટની ખામી દર્શાવે છે. જો પેસેન્જર્સને વાસણા ઊતરવું હોય તો વાસણા ‌ટર્મિનસ ખાતે પોલ વેલિડેટર મશીનની સુવિધા ન હોઇ કેબિનનો સ્ટાફ હેન્ડ હોલ્ડ મશીન (એચએસટી)થી સ્માર્ટકાર્ડ સ્વાઇપ કરે છે, પરંતુ તેમાં પણ અનેક પેસેન્જર્સનું ‘એક્ઝિટ’ થતું નથી.

જાણકાર સૂત્રો કહે છે, અગાઉનાં પોલ વેલિડેટર મશીન ખામીયુક્ત હોવાથી તંત્ર દ્વારા હજુ દોઢેક વર્ષ પહેલાં રૂ.૧૦૦ થી રૂ.૧પ૦ કરોડના ખર્ચે તેને બદલાયાં હતાં, પરંતુ આજે પણ મોટા ભાગનાં આ મશીન ખામીયુક્ત છે. ખરેખર તો ટેન્ડરની શરત મુજબ નેટ ચાલુ ન હોય તો ઓફલાઇનની શરત મુકાયેલી છે તેમ છતાં સત્તાવાળાઓ તેના તરફ બેદરકારી દાખવી રહ્યા છે.

જાણકાર સૂત્રો કહે છે, તંત્રની આઇટીએમએસ સિસ્ટમનાં ધાંધિયાંના કારણે વાસણા ટર્મિનસમાં કાર્ડ ‘એક્ઝિટ’ ન થવા પર બીઆરટીએસનો સ્ટાફ પેસેન્જર્સને આગળના બસ સ્ટેશને કાર્ડ ‘એક્ઝિટ’ કરવા મોકલે છે. જો કોઇ કારણવશાત્ પેસેન્જર્સ કાર્ડને ‘એક્ઝિટ’ ન કરાવે તો તત્કાળ તેનું કાર્ડ બ્લોક થઇને તેને રૂ.પ૮ની પેનલ્ટી લાગે છે.

બસ સ્ટેશનના પોલ વે‌િલડેટર મશીન કે કેબીનના એચએસટી મશીનની ખામીથી હેરાન થનાર પેસેન્જર્સ માટે ૧૮૦ મિનિટમાં કાર્ડ ‘એક્ઝિટ’ કરવું ફર‌િજયાત છે તેમજ સ્માર્ટકાર્ડમાં રૂ.૬૦નું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે, જોકે પેસેન્જર્સને તંત્રની સિસ્ટમનાં ધાંધિયાંથી પરેશાની ઉઠાવવી પડે છે. એક વખત બ્લોક થયેલા કાર્ડને રૂ.પ૮ની પેનલ્ટી તેમજ મહત્તમ અંતરનું ભાડું ચૂકવ્યા બાદ ઓપન કરાવવું પડતું હોઇ પેસેન્જર્સમાં ભારે રોષ ફેલાયો છે.

દરમ્યાન આ અંગે બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીને પૂછતાં તેઓ કહે છે કે નરોડા ટર્મિનસની જેમ વાસણા ટર્મિનેસમાં પોલ વેલિડેટર મશીન મૂકીને પેસેન્જર્સને વધુ સુવિધા આપવાની બાબત વિચારણા હેઠળ છે, જોકે સ્માર્ટકાર્ડના ‘એક્ઝિટ’ની સમસ્યા બહુ ખાસ નથી.

You might also like
728_90