બીઅારટીઅેસના રૂટ સહિતની માહિતી હવે મોબાઈલમાં મળશે

અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદના નાગરિકોને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સેવા પૂરી પાડવાના ભાગરૂપે મલ્ટિપર્પઝ સ્માર્ટકાર્ડ આપવાની દિશામાં કવાયત આરંભાઇ છે. તો આની સાથે સાથે લોકોને બીઆરટીએસ બસનું શેડયૂલ પણ પોતાના હાથની આંગળીઓને ટેરવે ઉપલબ્ધ કરાશે.

અમદાવાદમાં બીઆરટીએસ પ્રોજેકટ રૂ.૯ર૪ કરોડના ખર્ચે ૯૭ કિલોમીટરના રૂટ પર ઉતારુઓ માટે ઉપલબ્ધ કરાયો છે. દેશના દિલ્હી જેવા અન્ય શહેરોમાં બીઆરટીએસ પ્રોજેકટને નિષ્ફળતા મળવાથી સ્થાનિક સત્તાવાળાઓને સ્વહસ્તે બીઆરટીએસ કોરિડોરને ઉખાડી ફેંકવા હથોડા ઝીંકવા પડયા છે, પરંતુ અમદાવાદમાં દરરોજના ૧.૪૦ લાખ ઉતારુઓ બીઆરટીએસ સર્વિસનો લાભ ઉઠાવે છે.

ર૩૦ આધુનિક બસ, ૧પ૩ બસ સ્ટેશન ધરાવતાં બીઆરટીએસ નેટવર્કથી તંત્રને દરરોજની ૧૮થી ર૦ લાખની આવક થાય છે. બીઆરટીએસ પ્રોજેકટ હેઠળ હાલમાં સ્પેન અને દિલ્હીના સંયુકત ઉપક્રમ હેઠળની વાયમ જીએમવી કંપનીને આઇટી ટેકનોલોજીનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ અપાયો છે. આ કંપનીના કોન્ટ્રાકટની મુદત ઓગસ્ટ ર૦૧૬માં પૂર્ણ થશે.

અમદાવાદીઓને ઓગસ્ટ સુધીમાં બીઆરટીએસની મોબાઇલ એપ ઉપલબ્ધ થવાની છે. બીઆરટીએસની આ મોબાઇલ એપથી ઉતારુઓને બીઆરટીએસ સર્વિસના તમામ રૂટ, જે તે રૂટ પરની બસનો સમય, જે તે રૂટ માટેનું ટિકિટ ભાડું, બીઆરટીએસ બસ સર્વિસનો સમય, ફરિયાદ, સૂચન, માહિતી મોકલવા માટેના સંબંધિત અધિકારીનાં નામ અને ફોન નંબર વગેરે બાબતોની માહિતી મળશે. મોબાઇલ એપની માહિતીના આધારે ઉતારુઓ પોતાની નોકરી ધંધાના કે શાળા કોલેજના સમયને સાચવી શકશે.

BRTS એએમટીએસમાં નવી આઇટી ટેકનોલોજી માટે આંતરરાષ્ટ્રીય સ્તરનાં ટેન્ડર બહાર પડાયાં છે. સત્તાધીશો આગામી તા.૧પ માર્ચ, ર૦૧૬ સુધીમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આઇટી કંપનીઓનાં ટેન્ડરને મગાવશે. ત્યાર બાદ ઓગસ્ટ ર૦૧૬ સુધીમાં આઇટીને લગતો ઓછામાં ઓછો ભાવ આપનાર કંપનીને કોન્ટ્રાકટ અપાઇ જશે.

જનમાર્ગ લિમિટેડના જનરલ મેેનેજર દીપક ત્રિવેદી કહે છે કે, “નવી આઇટી કંપની બીઆરટીએસની મોબાઇલ એપ તૈયાર કરશે. આ ઉપરાંત પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, એલઇડી ડિસ્પ્લે સિસ્ટમ વગેરે તમામ આઇટી સિસ્ટમને અપગ્રેડ કરશે. તમામ બસ સ્ટેશન પર નવાં કમ્પ્યૂટર અને પ્રિન્ટર મુકાશે. ટૂંકમાં કહીએ તો નવી ટેકનોલોજી અનેક રીતે ‘પબ્લિક ફ્રેન્ડલી’ હશે.”

You might also like