બીઅારટીએસ રૂટ પરનો ૩૩ કિમીનો સાઇકલ ટ્રેક હવે ઉખાડી નખાશે

અમદાવાદ: બસ રેપીડ ટ્રા‌િન્ઝટ સિસ્ટમ એટલે કે બીઆરટીએસ સર્વિસ લગભગ દાયકાથી ઉતારુઓને એએમટીએસ બાદ અમદાવાદમાં જાહેર પરિવહન સેવાનું અસરકારક માધ્યમ બન્યું છે. શહેરમાં અત્યારે કુલ ૯૭ કિમીનાે બીઆરટીએસ સર્વિસનો વ્યાપ છે. દૈનિક ૧.૪૦ લાખ ઉતારુઓ બીઆરટીએસ સર્વિસનો લાભ લે છે, જોકે બીઆરટીએસ કોરિડોરથી શહેરની દિનપ્રતિદિન જ‌િટલ બનતી જતી ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે તેવી પણ શહેરીજનોની વ્યાપક ફરિયાદ ઊઠી છે. અમુક બીઆરટીએસ કોરિડોરમાં સાઇકલસવાર માટે અલાયદો સાઇકલ ટ્રેક બનાવાયો છે. આ સાઇકલ ટ્રેક તૈયાર કરવા પાછળનો કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોમાં સાઇકલસવારીને ઉત્તેજન આપી હવામાંના પ્રદૂષણને ઘટાડવાનો હતો. કમનસીબે તંત્રને આમાં એક અથવા બીજા કારણસર નિષ્ફળતા મળતાં હવે ભાજપના શાસકોએ સમગ્ર બીઆરટીએસ રૂટ પરથી સાઇકલ ટ્રેકને ઉખાડી નાખવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

ખમાસા-દાણાપીઠ ખાતેના મ્યુનિસિપલ મુખ્યાલય પાસેથી પસાર થતો આસ્ટોડિયા રોડનો બીઆરટીએસ કોરિડોર પ્રારંભથી વિવાદાસ્પદ બન્યો છે. બીઆરટીએસ કોરિડોરથી પહોળો કરાયેલો આસ્ટોડિયા રોડ પુનઃ સાંકડો બન્યો છે. આસ્ટોડિયા રોડ પરની વકરેલી ટ્રાફિક સમસ્યામાં આંશિક રાહત માટે તંત્ર એએમટીએસની ૭પથી વધુ બસને બીઆરટીએસ કોરિડોરમાં પસાર કરાવી રહ્યું છે. તેમ છતાં સવાર-સાંજના પિકઅવર્સમાં ટ્રાફિક જામના કારણે મેયર-કમિશનરની ગાડી અટવાઇ જાય છે. સ્થાનિક લોકો ઉપરાંત ખુદ સત્તાધારી ભાજપના કેટલાક કોર્પોરેટરોની પણ લાગણી-માગણી આસ્ટોડિયા રોડ પરના બીઆરટીએસ કોરિડોરને દૂર કરવાની છે, જોકે શાસકો આ લાગણી અને માગણી સાથે સંમત થતા નથી.

જોકે બીઆરટીએસના સાઇકલ ટ્રેક વાહનચાલકો તો ઠીક પણ સાઇકલસવાર માટે પણ સુવિધારૂપ બન્યા નથી. સાઇકલસવાર સાઇકલ ટ્રેકનો સડસડાટ ઉપયોગ કરી શકે તેવું જ રહ્યું નથી. અનેક ઠેકાણે સાઇકલ ટ્રેક તૂટી-ફૂટી ગયો છે તો સાઇકલ ટ્રેક પર લારી-ગલ્લાનાં દબાણ થયાં છે. કેટલીક જગ્યાએ તો સાઇકલ ટ્રેક પર ટ્રક વગેરે ભારે વાહનોનું પાર્કિંગ થઇ રહ્યું છે. એકંદરે બીઆરટીએસ કોરિડોરના સાઇકલ ટ્રેક શોભાના ગાંઠિયારૂપ બન્યા છે.

કોર્પોરેશન દ્વારા શહેરમાં ગત તા.૧પ ઓક્ટોબર, ર૦૦૮ના દિવાળીના તહેવારો દરમ્યાન નાગરિકોને બીઆરટીએસ સર્વિસની સોગાત અપાઇ હતી. તે વખતે આરટીઓથી ચંદ્રનગર (વાસણા) વચ્ચેના બીઆરટીએસ રૂટનું તત્કાલીન મુખ્યપ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું. આમ તો બીઆરટીએસના આ રૂટ પર છેક ત્રણ મહિના સુધી નાગરિકોને મફત મુસાફરીનો લહાવો આપીને બીઆરટીએસ સર્વિસનું લોકોમાં ઘેલું લગાવ્યું હતું. આરટીઓથી ચંદ્રનગર (વાસણા) વચ્ચે પ્રથમ વાર તંત્રે રોડની બન્ને તરફ સાઇકલ ટ્રેક બનાવ્યો હતો. શહેરના ૧૩ર ફૂટના આ રસ્તા પર બન્ને બાજુ આશરે ૧.ર મીટરનો સાઇકલ ટ્રેક બનાવ્યા બાદ સત્તાવાળાઓએ તેને પિરાણા સુધી લંબાવ્યો હતો. ત્યારબાદ નારોલથી નરોડાના બીઆરટીએસ કોરિડોર અને આરટીઓથી ચાંદખેડાના બીઆરટીએસ કોરિડોર પર સાઇકલ ટ્રેકનું નિર્માણ કરાયું હતું.

જોકે શહેરભરના બીઆરટીએસ કોરિડોરનો સાઇકલ ટ્રેક સદંતર અર્થહીન બન્યો હોઇ શાસક પક્ષ ભાજપ જે તે કો‌િરડોરની બન્ને બાજુના સાઇકલ ટ્રેકને દૂર કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યું છે. આના કારણે આશરે ૩૪ કિમીનો સાઇકલ ટ્રેક નિકટના ભવિષ્યમાં દૂર થશે. આ અંગે મેયર ગૌતમ શાહ કહે છે, બીઆરટીએસ કોરિડોરનો સાઇકલ ટ્રેક લોકોપયોગી રહ્યો ન હોઇ તેને દૂર કરવાની વિચારણા ચાલી રહી છે, જે સંદર્ભે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

સાઇકલ ટ્રેકની વિગત
કયાંથી કયાં સુધી વિગત
આરટીઓથી દાણીલીમડા ૧૩
નારોલથી નરોડા ૧૩.પ
નરોલથી કાશીરામ ટેક્સટાઇલ ૦.૪
આરટીઓથી ચાંદખેડા ૬.પ૦
કુલ ૩૩.૪

http://sambhaavnews.com/

You might also like