બીઅારટીઅેસ કોરિડોરમાં વધુ એક અકસ્માતઃ સાઇકલસવાર ઘાયલ

અમદાવાદ ઃ શહેરમાં બીઆરટીએસ ટ્રેક પર વધુ એક અકસ્માત સર્જાયો છે. રાયપુર દરવાજા પાસે પુરઝડપે પસાર થઇ રહેલી બીઆરટીએસ બસના ડ્રાઇવરે સાઇકલચાલકને અડફેટમાં લેતાં તેને માથામાં ઈજા પહોંચી હતી. બસ ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. વટવામાં આવેલ નવજીવનનગરમાં રહેતી સપનાદેવી સોનકરે બીઆરટીએસ બસના ડ્રાઇવર વિરુદ્ધમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગઇ કાલે બાર વાગ્યાની આસપાસ સપનાદેવીના પતિ પ્રદીપકુમાર નોકરી પર જતાં પહેલાં રાયપુર દરવાજા બહાર ન્યુ ક્લોથ માર્કેટ પાસે આવેલી બેન્કમાં ચેક ક્લિયરિંગ કરવા માટે જઇ રહ્યા હતા. રાયપુર દરવાજા પાસે ટ્રાફિક જામ હોવાથી પ્રદીપકુમાર બીઆરટીએસ ટ્રેક પર પોતાની સાઇકલ લઇ ગયા હતા તે સમયે પુરઝડપે આવતી બીઆરટીએસ બસે સાઇકલને ટક્કર મારતાં પ્રદીપભાઇ જમીન પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રદીપભાઇને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઇ જતાં બીઆરટીએસ બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. કાગડાપીઠ પોલીસે બીઆરટીએસના ડ્રાઇવર વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બીઆરટીએસ ટ્રેકમાં ખાનગી વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાંય લોકો ટ્રેકમાં વાહન ચલાવી રહ્યા છે. ગત મહિને ચંડોળા તળાવ પાસે બીઆરટીએસની અડફેટમાં એક યુવક આવી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like