બીઅારટીએસ કોરિડોરમાં ઘૂસનારા વાહનચાલકોને ઇ-મેમો ફટકારાશે

અમદાવાદ: શહેરીજનોમાં પોતાની ઝડપ, સ્વચ્છતા અને નિયમિતતાના કારણે બીઆરટીએસ બસ સર્વિસ લોકપ્રિય બની છે. સમગ્ર અમદાવાદમાં બીઆરટીએસના ૮૭ કિ.મી.ના રૂટનો દરરોજ દોઢ લાખ ઉતારુઓ લાભ લે છે, પરંતુ બીઆરટીએસ રૂટમાં ગેરકાયદે ઘૂસી આવતાં વાહનોની વિકરાળ બનેલી સમસ્યાનું ચાલુ વર્ષના અંત સુધીમાં નિરાકરણ આવી જશે, કેમ કે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસનારા વાહનચાલકોને ટ્રાફિક પોલીસ ઈ-મેમો ફટકારશે.

અત્યારે તો બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોને રોકવા તંત્રે અગત્યના ચાર રસ્તા કે પોઈન્ટ ખાતે ખાનગી સિક્યોરિટી એજન્સીના માણસોને બેસાડ્યા છે. સેવાનિવૃત્ત આર્મીમેનની સેવાનો પણ લાભ લેવાય છે. આવા લગભગ ૪૦૦ જણાને દોરડા, દંડા, ટ્રાફિક પોલીસના બેરિકેડ આપીને ફરજ પર લગાડાયા છે.

પરંતુ તંત્રની આ કવાયત બિલકુલ અર્થહીન પુરવાર થઈ છે. શહેરભરના બીઆરટીએસ રૂટમાં ખુલ્લેઆમ ખાનગી વાહનો ઘૂસી રહ્યાં છે. ઘણા વાહનચાલકો ‘દાદાગીરી’ કરીને ઘૂસી જાય છે. કેટલીક વખત તો ટ્રાફિક પોલીસ જ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય તો ખાનગી વાહનોને બીઆરટીએસ રૂટમાં વાળી દે છે? આ તમામ સ્થિતિમાં બીઆરટીએસ તંત્રનો ‘કહેવાતો’ સિક્યોરિટી સ્ટાફ અસહ્ય બનીને ફક્ત તમાશો જોતો રહી જાય છે!

પરંતુ બીઆરટીએસ રૂટમાં અન્ય વાહનોનો ટ્રાફિક ઘૂસી આવતાં ભરબપોરે પણ બીઆરટીએસ રૂટ જ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ‌િપકઅવર્સમાં તો બીઆરટીએસ બસની ઝડપ જ જતી રહે છે. એક સાથે સાત-સાત, આઠ-આઠ બસ કોરિડોરમાં એકની પાછળ એક ઊભેલી નજરે પડે છે. બીઆરટીએસના સત્તાવાળાઓ પણ આ સ્થિતિથી પૂરેપૂરા વાકેફ છે, પરંતુ તેઓ પણ લાચારી અનુભવે છે. આ સત્તાવાળાઓ બેધડક કહે છે. જો અમે પણ બીઆરટીએસ સ્ટેશન પર હોઈએ તો અમે પણ ખાનગી વાહનચાલકોને અટકાવી શકીએ તેમ નથી! કેમ કે અમારી પાસે કોઈ સત્તા જ નથી! અમે કોઈ વાહનચાલકોને બસો રૂપિયાનો દંડ પણ કરી શકીએ તેમ નથી!

જોકે બીઆરટીએસ તંત્રની લાચાર સ્થિતિનો હવે નજીકના ભવિષ્યમાં અંત આવશે.  બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદી કહે છે, “બીઆરટીએસના તમામ ૧૫૩ બસ સ્ટેશનને અંદર-બહારથી સીસીટીવીથી સજ્જ કરાશે. ત્યાર બાદ તમામ ખાનગી વાહનચાલકોનની નંબર પ્લેટના વીડિયો ફૂટેજ મેળવી ટ્રાફિક પોલીસને પહોંચતા કરાશે. આ વીડિયો ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસ ઈ-મેમો ફટકારશે. આનાથી આ દૂષણ નિયંત્રણમાં આવશે.” આ અગાઉ બીઆરટીએસના સત્તાવાળાઓએ પોલીસની પીસીઆર વાનની મદદ મેળવીને કોરિડોરમાં ઘૂસી આવતા વાહનચાલકોને દંડ્યા હતા.

જોકે દર વખતે પીસીઆર વાનની સહાયતા ઉપલબ્ધ થતી ન હોઈ આ અખતરો પણ નિષ્ફળ નિવડ્યો હતો. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ગઠિત કરાયેલી ટ્રાફિક બ્રિગેડને બીઆરટીએસ કોરિડોરની સમગ્ર વ્યવસ્થા સંભાળવાની પણ તંત્ર દ્વારા રજૂઆત કરાઈ હતી. વર્તમાન સિક્યોરિટી વ્યવસ્થાને બદલે જો ટ્રાફિક બ્રિગેડ જ આ જવાબદારી સંભાળી લે તો બીઆરટીએસના સત્તાવાળાઓ સમગ્ર ખર્ચ ઉપાડવા પણ તૈયાર હતા. જોકે ટ્રાફિક બ્રિગેડ પાસે જ પૂરતી સંખ્યામાં જવાનો નથી!

થોડા મહિના પહેલાં નારોલ-નરોડા રૂટ પર આવેલા વિજય પાર્ક સ્ટેશન પાસે જનરલ મેનેજરની હાજરીમાં એક બુલેટચાલકે કોરિડોરમાં થઈને જવાની જીદ પકડી હતી. તે લાખ સમજાવટ બાદ પણ ન માનતાં ખુદ જનરલ મેનેજરે નરોડા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ પહેલી અને છેલ્લી ફરિયાદ બનીને રહી છે!
અત્યારે બીઆરટીએસ તંત્ર દ્વારા શિવરંજની, ઈસ્કોન, અખબારનગર સહિત કુલ ૨૧ બસ સ્ટેશન પર સીસીટીવી કેમેરા મુકાયા છે, પરંતુ આ કેમેરા સ્ટેશનની અંદરની વ્યવસ્થા માટેના હોઈ કો‌િરડોરમાં ઘૂસતા વાહનોને પકડવા ઉપયોગી બની શકતા નથી.

બીઆરટીએસના જનરલ મેનેજર કહે છે, ‘ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈટીએમએસ)ના રૂ. ૧૨૫ કરોડના પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટીકલ ફાઈબર કેબલ તેમજ સીસીટીવી નખાશે તેમજ ટ્રાફિક પોલીસ સાથે સીધું સંકલન થઈ શકશે. આ પ્રોજેક્ટ ઓગસ્ટ-૨૦૧૬થી તબક્કાવાર અમલમાં આવશે અને ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં તમામ દોઢ લાખ ઉતારુઓને કોરિડોરમાં ઘૂસીને ટ્રાફિક જામ કરતાં વાહનોની સમસ્યામાંથી રાહત અપાશે.’

You might also like