BRTS કોરિડોરમાં બ્રેકડાઉન દાણીલીમડાથી ખોડિયારનગર સુધીનો ટ્રાફિક અસ્તવ્યસ્ત

અમદાવાદ: શહેરના બીઆરટીએસ કોરિડોરમાં દાણીલીમડા ચાર રસ્તા, ચંડોળા તળાવ, નારોલના રૂટમાં ગમેે ત્યારે અન્ય વાહનો ઘૂસી જઇને બસ સર્વિસને અસ્તવ્યસ્ત કરી દે છે, પરંતુ હવે દાણીલીમડા ચાર રસ્તાથી ખોડિયારનગર વચ્ચેના કોરિડોરમાં ડ્રેનેજ લાઇનના બ્રેકડાઉનથી બીઆરટીએસ બસ સર્વિસનું સમયપત્રક ખોરવાયું છે. કોર્પોરેશનના ઇજનેર વિભાગની ધીમી ગતિની કામગીરીથી આ પ્રશ્ન વધુ વિકરાળ બન્યો છે.

છેક મણિનગર, કાંકરિયાથી ડ્રેનેજનાં પાણીનું વહન કરીને બહેરામપુરાથી પીરાણા પમ્પિંગ સ્ટેશન જતી કોર્પોરેશનની ૧ર૦૦ એમએમની વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બીઆરટીએસના દાણીલીમડા ચાર રસ્તા બસ સ્ટેશન પાસે ક્ષતિગ્રસ્ત થઇ છે. છેલ્લા ૧પ દિવસથી ડ્રેનેજ લાઇન બ્રેકડાઉનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. જોકે ઇજનેર વિભાગને હજુ સફળતા મળી નથી.

દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના વડા એચ.ટી. મહેતા કહે છે, “આ લાઇન આશરે ૪૦ વર્ષ જૂની હોઇ તેનું આયુષ્ય પૂર્ણ થયું છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફલોની સમસ્યા ન ઉદભવે એટલે રાત્રે કામ હાથ ધરાય છે. ક્ષતિગ્રસ્ત લાઇનને તેની સમાંતર ૭ર ઇંચની અન્ય ડ્રેનેજ લાઇનમાં વાળી દેવાઇ છે. જોકે હજુ ૧પ દિવસ કામગીરી ચાલે તેમ લાગે છે.” દરમિયાન આટલા કોરિડોરમાં બીઆરટીએસ બસને મિકસ ટ્રાફિકમાં દોડાવવી પડતી હોઇ બસનું સમયપત્રક ખોરવાયું છે. જોકે તંત્ર દ્વારા અત્રેે છાશવારે બ્રેકડાઉન થતું હોઇ નવી લાઇન નાખવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like