‘નમૂનેદાર’ વહીવટઃ કચરાની ડમ્પિંગ સાઈટમાં જ બીઅારટીઅેસ સ્ટેશન!

અમદાવાદ: મેગાસિટી અમદાવાદને સ્માર્ટસિટી બનાવવાનાં બણગાં ફૂંકનાર કોર્પોરેશનના સત્તાવાળાઓની બેદરકારીથી પ્રજાનાં સામાન્ય પાણી, ગટર, બંધ સ્ટ્રીટલાઇટનાં કામો થતાં નથી. આ તો ઠીક પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન બીઆરટીએસમાં મુસાફરોને હાલાકીનો પાર નથી. પીકઅવર્સ દરમ્યાન તો પોકેટમારોને નબળી સિક્યોરિટીના કારણે રીતસરનું મોકળું મેદાન મળી જાય છે. બીજી તરફ દેશ-વિદેશમાં અનેક એવોર્ડ મેળવનાર બીઆરટીએસનો નમૂનેદાર વહીવટ પ્રકાશમાં અાવ્યો છે. મુસાફરોની ક્રૂર મજાક ઉડાવાતી હોય તેમ ડમ્પિંગ સાઈટમાં જ કચરાના ઢગલાંની અાસપાસ હાટકેશ્વરનું બસ સ્ટેશન છે.

શહેરીજનો માટે જાહેર પરિવહન સેવાના મામલે એએમટીએસ બાદ બીઆરટીએસનો વિકલ્પ મળ્યો છે. પરંતુ બીઆરટીએસનો આ વિકલ્પ અડધો અધૂરો છે. અમદાવાદમાં બીઆરટીએસનો ફક્ત ૯૭ કિ.મી.નો વ્યાપ છે. જોકે એએમટીએસના રોજે રોજનાં ધાંધિયાંથી કંટાળેલાં લોકો માટે કમનસીબે બીઆરટીએસના ગાજ્યા મેઘ ખાસ વરસ્યા નથી. તાજેતરમાં અમદાવાદના ૧૯ર કોર્પોરેટરને બીઆરટીએસનો વર્ષનો મફત પ્રવાસના પાસની ભેટ આપનાર તંત્ર પાસે મુસાફરોની સુધ લેવાની ફરસદ નથી..

બીઆરટીએસમાં નરોડા-નારોલ રૂટ પર પોકેટમારોએ રીતસરનો આતંક મચાવ્યો છે.  મહિલાઓ પણ હવે છેડતીનો ભોગ બને છે તેમ છતાં સત્તાવાળાઓની નબળી સિક્યોરિટી ફક્ત ઉતારુઓની ટિકિટ લેવાની જ કામગીરી કરે છે !

અમદાવાદીઓ માટે બીઆરટીએસ તેની સ્વચ્છતા, ઝડપ અને નિયમિતતામાટે અેક સમયે વખણાતી હતી. પરંતુ ટ્રાફિક જામ અને એએમટીએસની ૧૭૬ બસને બીઆરટીએસ કોરિડોરમાં ઘુસાડવાથી બીઆરટીએસની ઝડપ અને નિયમિતતા પર ગ્રહણ લાગ્યું છે. તો બીઆરટીએસના જે તે રૂટને સ્થાનિરક કોર્પોરેટરોના દુરાગ્રહથી મૂળ કોરિડોરથી છેક અંદર સુધી લંબાવવાથી નવા નવા પ્રશ્નો ઊભા થયા છે.

હાટકેશ્વરની બીઆરટીએસની કેબિન ઉતારૂઓની મુસીબતનું જીવતું જાગતું ઉદાહરણ છે. તંત્ર દ્વારા છેક ડિસેમ્બર ર૦૧૪માં આરટીઓથી હાટકેશ્વરનો નવો રૂટ શરૂ કરાયો. બે વર્ષથી રાજકીય દબાણથી શરૂ કરાયેલા આ રૂટના ઉતારુઓ માટે વ્યવસ્થિત બસ શેલ્ટર બાંધવાને લઇને તંત્રએ ફાઇબરની નાનકડી કેબિન બાંધીને બસ દોડાવવા લીધી. પરંતુ છેલ્લાં બે-બે વર્ષથી હાટકેશ્વરના ઉતારુઓ ઉકરડાના સામ્રાજ્યમાં ઊભી કરાયેલી કેબિનથી તોબા પોકારી ગયા છે.

એક તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ડમ્પ સાઇટની બારે માસ માસની દુર્ગંધ તો ચોમાસામાં વરસતા વરસાદ વચે ભીંજાતા ઊભા રહેવાની સજા ! મહિલા ઉતારુઓ તો ગામડાના બસસ્ટેન્ડની જેમ નીચે બેસીને બસની રાહ જુવે છે. કેબિનમાં લાઇટ ગુલ થાય તો ટિકિટિંગ સ્ટાફ રોડ પર ઊભાે રહીને હેન્ડ હોલ્ડ ટિકિટિંગ મશીનથી ઉતારુઓની ‌ટિકિટ કાપે છે..

તંત્રનો એવો દાવો છે કે, ઉતારુઓની સુવિધા માટે હાટકેશ્વર સુધી બસ લંબાવાઇ છે.કેમ કે, ઉતારુઓને ખોખરા વિસ્તારનું જોડાણ મળી રહે છે નરોડાથી નારોલ વચ્ચે બસનું યુ-ટર્ન ન હોઇ વચ્ચેના ઇસનપુર, જશોદાનગર, સીટીએમ, એક્સપ્રેસ હાઇવે જેવા બસ સ્ટેશનના ઉતારુઓને હંમેશાં બસ ભરેલી મળતી હોવાથી આ વિસ્તારના ઉતારુઓને રાહત મળી છે. પરંતુ આરટીઓથી હાટકેશ્વરની બસને વાસણાથી નરોડા ગામની જેમ છેક હાટકેશ્વરના એળ્મટીએસ ડેેપો સુધી લંબાવી તેમાં ફાઇબર શેડ સાથેની કેબિન બનાવાઇ હોત તો ઉતારુઓને રાહત થાત. આરટીઓમાં તો એએમટીએસ ડેપો જ નથી તેમ છતાં ઉતારુઓ માટે ફાઇબર શેડ સાથેની બેઠક વ્યવસ્થા ધરાવતી કેબિન છે.

બીઆરટીએસના સમગ્ર રૂટમાં કુલ ૧પ૭ બસ સ્ટેશન હોઇ તેમાં હાટકેશ્વર કેબિન સહિતની કુલ ૧૧ કેબિન છે. કોમર્સ છ રસ્તા આરટીઓ, વાસણા, નરોડા બેઠક, નરોડા ગામ, વિશ્વકર્મા, સાયન્સ સિટી એપ્રોચ, સોલા ભાગવત, ગુજરાત હાઇકોર્ટ એમ કુલ ૧૧ કેબિન પૈકી ફક્ત વાસણા, નરોડા ગામ અને આરટીઓની કેબિન ઉતારુઓ માટે સુરક્ષિત છે બાકી તમામ કેબિન ખુલ્લામાં હોઇ ચોમાસામાં પણ સ્વાભાવિક પણે ઉતારુઓ માટે મુસીબતરૂપ બને છે. તેમ છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે તંત્રનો એક કેબિન પાછળનો મહિનાનો નિભાવ ખર્ચ રૂ.૩૦,૦૦૦ જેટલો છે.

જોકે દૈનિક ૧.૪પ લાખ ઉતારુઓ ધરાવતી બીઆરટીએસ બસ સર્વિસના હાટકેશ્વર કેબિન જેવા પ્રશ્નો પ્રત્યે તંત્રના વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. બીઆરટીએસ વિભાગ કહે છે કેબિન કે બસ સ્ટેશન બાંધવાનું કામ અમારું નથી. જ્યારે રોડ પ્રોજેકટ વિભાગ કહે છે બીઆરટીએસ વિભાગ તરફથી કેબિન કે બસ સ્ટેશન બાંધવાની જગ્યા ફાળવાય તે મુજબની કામગીરી કરાય છે. દરમ્યાન બીઆરટીએસનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર્જવ શાહ કહે છે ઉતારુઓને કેબિનથી પડતી મુશ્કેલીઓનો અંત આણવા તંત્ર હકારાત્મ્ક વલણ અપનાવશે. આ માટે ટૂંક સમયમાં સંંબંધિત વિભાગો સાથે બેઠક કરાશે.’

You might also like