બીઆરટીએસ બસમાં લુખ્ખાં તત્ત્વોથી પેસેન્જરો પરેશાન

અમદાવાદ: આરટીઓથી મણિનગર અને હાટકેશ્વર તથા નારોલ જેવા વિસ્તારમાંથી અમુક અસામાજિક તત્ત્વો બસમાં મુસાફરી કરે છે. તેઓ બસમાં સીટોની તોડફોડ કરે છે, આરટીઓ બસ સ્ટેન્ડ પાસે બીઆરટીએસમાં અસામાજિક તત્ત્વો નુકસાન કરે છે. સૂત્રો અનુસાર બસમાં અમુક અસામાજિક તત્ત્વો સીટો પર બેસીને આગળની સીટોને તોડી નાખે છે. બીઆરટીએસમાં રોજ હજારો લોકો અવરજવર કરે છે તેમાં પણ સવારે અને સાંજે બસમાં ભીડ હોય છે. બીઆરટીએસમાં સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતી સારા ઘરની છોકરીઓ તેમજ મહિલાઓ પણ મુસાફરી કરે છે, મહિલાઓ અને છોકરીઓ પણ છેડતીનો ભોગ બને છે.

અસામાજિક તત્ત્વો રોજેરોજ બીઆરટીએસને ટાર્ગેટ કરીને મુસાફરોને હેરાન-પરેશાન કરી રહ્યા છે, જેના કારણે બીઆરટીએસના મુસાફરો અસુરક્ષા અનુભવી રહ્યા છે, જેથી આવા ગુંડા તત્ત્વોના ત્રાસથી બીઆરટીએસના મુસાફરોને મુક્ત કરાવવા અને બસમાં જે સીટોની તોડફોડ તેમજ ચોરીના બનાવો બને છે તેને રોકવા માટે પોલીસ અને જનમાર્ગની ટીમ સાથે મળીને આવાં તત્ત્વોને પાઠ ભણાવે તેવી પણ મુસાફરોની લાગણી છે.

આ અંગે બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીને પૂછતાં તેઓ કહે છે ‘આવી કોઇ ઘટનાની તંત્ર પાસે માહિતી નથી. જો કોઇ માહિતી હોત તો જરૂર પોલીસમાં ફરિયાદ કરીને અસામાજિક તત્ત્વો વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરી હોત.’

You might also like