સિવિલ હોસ્પિટલ સુધી BRTS બસ નહીં દોડાવાય

અમદાવાદ: અમદાવાદીઓમાં સ્વસ્છતા, નિયમિતતા અને ઝડપ માટે વખણાતી બીઆરટીએસ બસ સર્વિસનો હાલમાં શહેરમાં ૯૭ કિમીનો રૂટ છે. દરરોજ દોઢ લાખ ઉતારુઓ બીઆરટીએસ સર્વિસનો ઉપયોગ કરે છે. કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી સ્ટેન્ડ, મ્યુનિ. મુખ્યાલય, કાંકરિયા, શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અન્ય મહત્ત્વનાં સ્થળોને બીઆરટીએસ બસ સર્વિસ હેઠળ આવરી લેવાયાં છે.

એશિયામાં સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલને પણ બીઆરટીએસ સર્વિસ સાથે સાંકળી લેવાની અવારનવાર માગણી ઊઠી છે, પરંતુ સત્તાવાળાઓ હજુ સુધી બીઆરટીએસ બસને સિવિલ હોસ્પિટલ સુધી લંબાવવા તૈયાર નથી.

અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૨૦થી ૨૫ હજાર લોકો અવરજવર કરતા હોય છે. સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત બહારના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે. આમ તો મેટ્રો રેલવે પ્રોજેક્ટ હેઠળ સિવિલ હોસ્પિટલને આવરી લેવાઈ હતી. અગાઉ મેટ્રો રેલવે પ્રોજેક્ટમાં સિવિલ હોસ્પિટલનો સમાવેશ કરાતાં બીઆરટીએસ પ્રોજેક્ટમાંથી તેને બાકાત રખાઈ હતી, પરંતુ હવે મેટ્રો રેલવે પ્રોજેક્ટના આખરી આયોજનમાં સિવિલનો સમાવેશ કરાયો નથી, જેના કારણે સિવિલ મેટ્રોની સુવિધાથી વંચિત રહેનાર હોઈ હવે બીઆરટીએસ સર્વિસ સાથે તેને સાંકળી લેવાની માગણી ઊઠી છે.

સ્થાનિક ધારાસભ્ય આર. એમ. પટેલ દ્વારા તાજેતરમાં મળેલી સંસદસભ્ય, ધારાસભ્યની સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત કરાયો હતો. આ બેઠકમાં તેમણે પ્રેમદરવાજાથી સિવિલ સુધીના બે રૂટનું સૂચન પણ કર્યું હતું. સિવિલ હોસ્પિટલથી બળિયાલીમડી થઈને ગિરધરનગર થઈને ઈદગા સર્કલ થઈને પ્રેમદરવાજા સુધી અને સિવિલ હોસ્પિટલથી બળિયાલીમડી થઈને અસારવાબ્રિજથી પ્રેમદરવાજા સુધીની બીઆરટીએસ યોજના ચાલુ કરવાની માગણી કરાઈ હતી.

જોકે દર મહિને રૂ. બે કરોડની ખોટ કરતા બીઆરટીએસના તંત્ર માટે સિવિલ હોસ્પિટલ સુધી અલગ કો‌િરડોર ધરાવતી બસ સર્વિસ તો શક્ય બનવાની જ નથી, પરંતુ સત્તાવાળાઓ સ્વતંત્ર કેબિન મૂકીને પણ બસ દોડાવવા તૈયાર નથી. અંજલીથી વાસણા સુધી બસસેવા તેના ટૂકા અંતર માટે લંબાવાઈ તેમ છતાં વાસણામાં એક કેબિનની વ્યવસ્થા તો કરવી પડે છે.

બીઆરટીએસના કોરિડોરમાં દર મહિને એક કેબિન પાછળનો ખર્ચ અંદાજે રૂ.૩૦ હજાર આવતો હોઈ પ્રેમદરવાજાથી સિવિલ હોસ્પિટલ સુધી કેબિન મૂકવાનો ખર્ચ પણ તંત્રને પોષાય તેમ નથી, કેમ કે આ રૂટ ખાસ્સો લાંબા હોઈ અપ અને ડાઉનમાં આશરે દસ કેબિન મૂકવાની થતી હોઈ સત્તાવાળાઓ આટલો બધો ખર્ચ તૈયાર નથી.

You might also like