બીઆરટીએસ બસમાં કંટ્રોલ સેન્ટરથી સતત નજર રખાશે

અમદાવાદ: કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઉસ્માનપુરાની ઝોનલ કચેરી ખાતે તંત્ર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવાયું છે. આવતી કાલે સવારે કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન એમ.વૈંકેયા નાયડુના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન સેન્ટર ખાતે હોમ્સ ફોર ઓલ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન તેમજ જન મિત્ર પેમેન્ટ કાર્ડ અને એએમસી સેવા એપનો પ્રારંભની સાથે સાથે બીઆરટીએસનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરાશે.

ઈ-ગર્વનન્સનો હવાલો સંભાળતા આસિસ્ટેન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટે જણાવ્યું હતું કે બીઆરટીએસની કુલ ૨૩૦ બસની અંદર અલગથી બે-બે સીસીટીવી કેમેરા લગાવાઈ રહ્યા છે. બસ સ્ટેન્ડ પર અને બીઆરટીએસ કોરિડોરને આવરી લેનારા કુલ ૬૦૦ સીસીટીવી કેમેરા પણ ઝડપભેર લાગી રહ્યા છે. આ તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ સેન્ટરથી કરાશે. બીઆરટીએસ બસની અવરજવર ઉપર પણ કંટ્રોલ સેન્ટર ચાંપતી નજર રાખશે. આ માટે છ ફૂટ બાય આઠ ફૂટના બે વિશાળ એલઈડી સ્ક્રીન મુકાયા છે. આ વિશાળ સ્ક્રીનનું એક સાથે ચોવીસ ઓપરેટર નિરીક્ષણ કરશે.

જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસનારાં વાહનને પણ પકડી શકાશે. બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદી કહે છે, બીઆરટીએસના કુલ ૧૫૮ બસ સ્ટેશન હોઈ પ્રત્યેક સ્ટેશનની અંદર બે-બે સીસીટીવી કેમેરા અને આગળ-પાછળ એક-એક એમ બે સીસીટીવી કેમેરા મળીને કુલ ચાર સીસીટીવી કેમેરા મળીને સમગ્ર કોરિડોરમાં કુલ ૬૦૦ સીસીટીવી કેમેરા લગાવાઈ રહ્યા છે.

રથયાત્રા દરમિયાન BRTSના છ રૂટ બંધ રહેશે
આગામી રવિવારે નીકળનારી રથયાત્રા નિમિત્તે એક દિવસ માટે બીઆરટીએસના છ રૂટ બંધ રહેશે. મણિનગરથી સોલા ભાગવત, આરટીઓથી સર્ક્યુલર આરટીઓ એન્ટી સરક્યુલર, ઝુંડાલથી નારોલ, ઓઢવથી એમ.જે. લાયબ્રેરી અને નરોડા ગામથી ઈસ્કોન ચાર રસ્તા રૂટ બંધ રહેશે.  જ્યારે ઓઢવથી સાયન્સ સિટી એપ્રોચના રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે. જે મુજબ સોલા ભાગવતથી સરકારી લિથો પ્રેસ અને ઓઢવ રિંગ રોડથી અજિત મિલ થઈને બસ દોડશે. ઝુંડાલથી કોમર્સ છ રસ્તાના રૂટને ઝંુડાલ સર્કલથી વિશ્વકર્મા કોલેજ થઈ કોમર્સ છ રસ્તા સુધી લઈ જવાશે. જો કે આરટીઓથી મણિનગર, આરટીઓથી હાટકેશ્વર, મણિનગર રેલવે સ્ટેશનથી ઘુમા ગામ, નારોલથી નરોડા અને વાસણા ગામથી નરોડા ગામ એમ કુલ પાંચ રૂટ રાબેતા મુજબ ચાલુ રહેશે.

http://sambhaavnews.com/

You might also like