લોકોને ખસી જવાની બૂમો પાડી ડ્રાઈવરે બસને મંદિર-રિક્ષા સાથે અથડાવી

અમદાવાદ: અમદાવાદના શાહપુરના દૂધેશ્વર રોડ પર આજે વહેલી સવારે બીઆરટીએસ બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. બીઆરટીએસ બસના ડ્રાઇવરે અકસ્માતમાં મોટી હોનારત ના સર્જાય અને કોઇ જાનહા‌િન ના થાય તે માટે રિક્ષા તથા મંદિર સાથે બસને અથડાવી હતી. ટ્રાફિક એલ ડ‌િવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે બીઆરટીએસ બસ દૂધેશ્વરથી દિલ્હી દરવાજાના રૂટ પર આવી રહી હતી ત્યારે અચાનક બસની બ્રેક ફેલ જતાં લોકોના જીવ તાળવે આવી ગયા હતા. ચાલુ બસમાં ડ્રાઇવરે રસ્તા પરથી લોકોને હટી જવા માટે બૂમાબૂમ કરી હતી, જોકે બસની સ્પીડ ધીમી હોવાથી ડ્રાઇવરે બસને રોકવા માટે ૧૦ ફૂટ જેટલી રેલિંગને તોડી એક રિક્ષા તથા મંદિર સાથે ધડાકાભેર તેને અથડાવી હતી.

બસ અથડાતાંની સાથે જ રિક્ષાનું કૂચો બોલાઇ ગયો હતો ત્યારે મંદિર તૂટી ગયું હતું. બસ ઊભી રહેતાં બસમાં બેઠેલા પેસેન્જરો સહીસલામત બસમાંથી ઊતરી ગયા હતા ત્યારે ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ટ્રાફિક એલ ડ‌િવિઝન પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જ્યાં તેમણે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બસ રોકવા માટે ડ્રાઇવરે પ્રયત્નો કર્યા હતા તેમ છતાં બસ રોકાઇ નહીં. આ સમયે રિક્ષામાં બેઠેલા એક યુવક બસના ડ્રાઇવરે ખસી જવા માટે કરેલો ઇશારો સમજી ગયો હતો, જેથી ડ્રાઇવર તરત રિક્ષામાંથી કૂદી ગયો હતો અને બસ રિક્ષા તથા મંદિર સાથે ધડાકાભેર અથડાઇ હતી.

You might also like