ટ્રેલરે બાઈકને અડફેટે લેતાં સગાં ભાઈ-બહેનનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં

અમદાવાદ: પાલનપુર-અાબુ રોડ પર ચિત્રાસણી નજીક પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટ્રેલરે બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં બાઈકસવાર બે સગાં ભાઈ-બહેનનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા.

મૂળ રાજસ્થાનના અને વર્ષોથી પાલનપુરમાં ઢુઢિયાવાડી વિસ્તારમાં રહેતા ચંદ્રકાન્તભાઈ મનમોહનસિંહ ચૌધરીની બહેન સપનાને પાલનપુર તાલુકાના ગોકુલપુરા ગામ ખાતે પરણાવી હતી. ગઈ કાલે ચંદ્રકાન્તભાઈ બાઈક લઈ તેમની બહેનને લેવા ગયા હતા. અા બંને ભાઈ-બહેન બાઈક પર પાલનપુર-અાબુ રોડ પર ચિત્રાસણી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે અાવી રહેલા ટ્રેલરે બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં ટ્રેલરના ટાયર નીચે અાવી જતાં બંને ભાઈ-બહેનના મોત થયા હતા. અા ઘટનાને પગલે લોકોના ટોળા રોડ ઉપર ધસી અાવ્યા હતા.

પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી અાપી ટ્રેલરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અા જ રોડ ઉપર બે દિવસ અગાઉ સર્જાયેલા અકસ્માતમાં પિતા-માતા અને પુત્રનાં મોત થયાં હતાં. ત્યારબાદ અા બીજી ઘટના બની છે. કાલાવડ નગરપાલિકાના ભાજપના સદસ્ય રમેશભાઈ ઝાપડા પોતાની ક્રૂઝર ગાડીમાં કાલાવડ રોડ ઉપર છાપરા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગાડીના સ્ટિયરિંગનો રોડ તૂટતાં ગાડી પલટી ખાઈ જતાં અા અકસ્માત સર્જાયો હતો, જેમાં રમેશભાઈ ઝાપડાનું ઈજાઓ થવાથી મોત થયું હતું.

You might also like