છાતીમાં ગોળી મારી સાળાની હત્યા કરનાર સુભાન ઝડપાયો

અમદાવાદ: વટવા વિસ્તારમાં આવેલી સાંઇબાબા સોસાયટીમાં સોમવારે મોડી રાતે સાળા મકસુદઅલી સૈયદની પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારનાર બનેવી અબ્દુલસુભાન સૈયદની વટવા પોલીસે જમાલપુર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુભાનની પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે ૨૫ વર્ષનાં લગ્ન જીવન દરમિયાન તેની પત્ની જક્યુનનીશા અવારનવાર રીસાઇને પિયરમાં જતી રહેતી હતી. જેને મકસુદઅલી સપોર્ટ કરતાે હતાે. જેના કારણે તેની હત્યા કરી છે.

પોલીસે સુભાન પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તેમજ ૧૦ જીવતી કારતૂસ કબજે કરેલ છે.જે તેની પાસે સાત વર્ષથી છે. આ સિવાય ૯૦ના દાયકામાં સુભાન ગેંગ સાથે પણ કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ધાંધ્રગામાં લૂંટ અને સંખ્યાબંધ મારામારીના કેસમાં પણ સુભાન સંડોવાયેલો હોવાનું પોલીસ કહી રહી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વટવા વિસ્તારમાં રહેતો અબ્દુલ સુભાન ગેરેજનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી ગેરેજ બંધ થઇ જતાં અબ્દુલસુભાન બેકાર ઘરે બેઠો હતો. આ મામલે અબ્દુલસુભાન અને તેની પત્ની જક્યુનનીશા વચ્ચે બોલાચાલી થતી હતી. જેના કારણે ૧૫ દિવસ પહેલાં જક્યુનનીશા તેના પુત્ર અને પુત્રવધૂને લઇને ભાઇ મકસુદઅલી સૈયદના ઘરે આવી ગઇ હતી.

આ મામલે અબ્દુલસુભાન અને તેના સાળા મકસુદઅલી વચ્ચે અવારનવાર તકરાર ચાલતી હતી. પત્નીને ઘરે લઇ જવા માટે અબ્દુલ સુભાને મકસુદઅલીને અવરનવાર ફોન કર્યા હતા અને ધમકીઓ આપી હતી.

જેમાં સોમવાર મોડી રાતે અબ્દુલસુભાન પોતાનું બાઇક લઇને સાંઇબાબા સોસાયટીમાં રહેતા તેના સાળા મકસુદઅલીના ઘરે ગયો હતો. જ્યાં તેણે મકાનનો દરવાજો ખખડાવ્યો હતો મકસુદઅલી મુજાવર હોવાથી કોઇ ધાર્મિક કામ માટે આવ્યુ હોવાનું સમજીને તેણે બારી ખોલી હતી. જ્યાં અબ્દુલસુભાને દેશી બનાવટની પિસ્તોલ કાઢીને મકસુદઅલીના છાતીમાં પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ગોળી મારી હતી. આ ઘટનામાં મકસુદઅલીનું મોત થયું હતું, જ્યાં પોલીસ ગઇ કાલે જમાલપુર વિસ્તારમાંથી અબ્દુલસુભાનની ધરપકડ કરી લીધી છે.

You might also like