ભાઈના મોતનો બદલો લેવા મિત્રઅે જ મિત્રની હત્યા કરી

અમદાવાદ: શહેરના નારોલ સર્કલ પાસે ગત રવિવારના રોજ મોડી રાતે પથ્થર વડે માથું છૂંદીને અજાણ્યા યુવકની કરાયેલી હત્યાના ચકચારી કિસ્સામાં વટવા પોલીસે એક આરોપીની ધરપકડ કરીને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાઇના મોતનો બદલો લેવા માટે આરોપીએ તેના મિત્રની ઘાતકી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

નારોલ સર્કલથી સરખેજ જવાના રોડ પર ગત રવિવારે મોડી રાતે એક યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ પડી હોવાના મેસેજ વટવા પોલીસને મળ્યા હતા. વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે.સરવૈયા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં એક યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ જાહેર રોડ પર પડી હતી. યુવકના મોં પર કેટલાક અજાણ્યા શખ્સોએ પથ્થર વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી. એક કરતાં વધુ વખત મોં પર પથ્થર વડે હુમલો કરતાં યુવકનું મોં છુંદાઇ ગયું હતું. જેના કારણે તેની ઓળખ થઇ શકી ન હતી.

મરનાર યુવક કોણ છે તે શોધવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાનમાં વટવા વિસ્તારમાં આવેલ શાહવાડીમાં રહેતો મનજીત નાઇ નામનો યુવક રવિવારથી ગુમ હોવાની વિગતો પોલીસને મળી હતી. પોલીસે મનજીત નાઇનાં માતા-પિતા સાથે સંપર્ક કર્યો હતો અને યુવકની લાશનો ફોટોગ્રાફ્સ બતાવ્યો હતો. અત્યંત વિકૃત લાશ હોવાથી મનજીતનાં માતા-પિતા તે ઓળખી શક્યાં નહીં ત્યારે પોલીસ મનજીતનો ફોટોગ્રાફ્સ મરનાર યુવક સાથે મેચ કરવાની કોશિશ કરી. મરનાર યુવક મનજીત હોવાની પોલીસને શંકા ગઇ હતી. જેથી વીએસ હોસ્પિટલના માર્ગમાં યુવકની લાશ ઓળખવા માટે મનજીતનાં માતા-પિતાને લઇ ગઇ હતી.

મનજીતનાં માતા-પિતા લાશને ઓળખી ગયાં હતાં. જેથી હવે મનજીતના હત્યારાઓને શોધવા માટે પોલીસને રસ્તો સરળ રસ્તો મળી ગયો હતો. મનજીતનાં માતા-પિતાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે છ મહિના પહેલાં મનજીત અને તેના બે મિત્રો સાથે બાઇક લઇને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત ટ્રક સાથે થયો હતો. આ ઘટનામાં મનજીતના બે મિત્રોનું ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે આ અકસ્માતમાં માર્યા ગયેલા બે યુવકના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસે અકસ્માતમાં મરનાર યુવકના ભાઇ દિલીપ ઉદયશંકર કુલકર્ણીની પૂછપરછ કરી રહી હતી ત્યારે તેના હાથમાં ઇજાનાં નિશાન જોયાં હતાં. દિલીપને હાથમાં કેવી રીતે વાગ્યું તે અંગે પોલીસે તેની આકરી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન દિલીપ ભાંગી પડ્યો હતો અને મનજીતની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સમક્ષ દિલીપે કબૂલાત કરી છે કે તે મનજીતનો સારો મિત્ર છે અને અકસ્માતમાં માર્યા ગયેલો તેનો ભાઇ પણ મનજીતનો મિત્ર હતો. દિલીપને શંકા હતી કે તેના ભાઇનું અકસ્માતે મોત નહીંં પરંતુ તેની મનજીતે હત્યા કરી છે. આ અદાવતને ધ્યાનમાં રાખીને છેલ્લા છ મહિનાથી દિલીપ મનજીતની હત્યા કરવાની ફિરાકમાં હતો. ગત રવિવારે તેને યોગ્ય સમય મળી જતાં તેનું પથ્થર વડે મોં છૂંદીને હત્યા કરી નાખી હતી.

You might also like