અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપમાં બ્રિટિશ મોડલની ધરપકડ

નવી દિલ્હી: એક બ્રિટિશ ગ્લેમર મોડલની અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપસર ધરપકડ કરવામાં અાવી છે. અાક્ષેપ છે કે તેને સોશિયલ મીડિયા દ્વારા અાતંકી જૂથ અાઈઅેસના અાતંકવાદીઅોનો સંપર્ક કર્યો હતો. ધ સન માટે ટોપલેસ તસવીરો પડાવી ચૂકેલી કિંબરલી મિનર્સ અંગે અેવું માનવામાં અાવી રહ્યું છે કે તેણે ચૂપચાપ ઇસ્લામ ધર્મ અપનાવી દીધો હતો. તેના દ્વારા સોશિયલ મીડિયા પર લાઈક અને શેર કરવામાં અાવતા અાઈઅેસના વીડિયોને બ્રિટનની પોલીસ અને ગુપ્તચર સંસ્થા અેમઅાઈને તપાસ કરવા મજબૂર કરી દીધી છે. ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ અા મોડલની અાતંકવાદી કાયદા ૨૦૦૦ હેઠળ ધરપકડ કરવામાં અાવી છે. પોલીસે પશ્ચિમ યોર્કશાયર સ્થિત તેના ઘરે તપાસ શરૂ કરી છે.

૨૭ વર્ષીય મોડલને ગઈકાલે સાંજે જામીન પર મુક્ત કરવામાં અાવી છે પરંતુ હજુ પણ તપાસ ચાલુ રહેશે. ગયા મહીને એક ન્યૂઝ પેપરે ખુલાસો કર્યો હતો કે મિનર્સ સોશિયલ મીડિયા પર એલ્યાસ, અાઈસા, લોરેન, અલ-બ્રિટાનિયાના રૂપમાં સક્રિય રહે છે. તેની સાથે જ રાઈફલ અને અન્ય હથિયારો લઈને ઊભી રહેતી મહિલાઅોની તસવીરો પોસ્ટ કરતી રહે છે. અા અંગે મિનર્સનો દાવો છે કે તેને ફસાવવા માટે નકલી પ્રોફાઈલ બનાવાઈ છે. તે કહે છે કે હું કોઈપણ સોશિયલ મીડિયા સાઈટ પર સક્રિય નથી અને કોઈપણ અાતંકી સમૂહ સાથે સંપર્કમાં નથી. હું લોકોનો ખ્યાલ રાખનારી વ્યક્તિ છું અને મારું દિલ સોના જેવું શુદ્ધ છે.

You might also like