બ્રિટનની કોર્ટે તિહાર જેલને ‘સુરક્ષિત’ ગણાવી: વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે હવે માર્ગ મોકળો

લંડન: બ્રિટનની એક કોર્ટનો ચુકાદો ભાગેડુ ‘લિકર કિંગ’ વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. યુકેની કોર્ટે તિહાર જેલને ‘સુરક્ષિત અને સલામત’ પરિસર ગણાવીને જણાવ્યું છે કે તિહાર જેલમાં ભારતીય ભાગેડુઓનું પ્રત્યર્પણ કરી શકાય તેમ છે. ક્રિકેટ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલો આ ચુકાદો બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ નાસી છૂટેલા વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે અગત્યનો સાબિત થઈ શકે છે.

લંડન હાઈકોર્ટે ભારતીય સટ્ટાબાજ સંજીવ ચાવલાને મોટો ઝાટકો આપ્યો છે. ચાવલા ૧૮ વર્ષથી ચાલી રહેલા ક્રિકેટ મેચફિક્સિંગ કેસમાં ગયા વર્ષે ભારત પ્રત્યર્પણથી બચી ગયો હતો. પ૦ વર્ષીય ચાવલાએ નીચલી કોર્ટ સામે દિલ્હીની તિહાર જેલની બદતર હાલત અને અપૂરતી સુરક્ષાની દલીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે ચાવલાની આ દલીલને ફગાવી દેતાં વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજને ફરીથી પ્રત્યર્પણ પ્રક્રિયા શરૂ કરવાના આદેશ આપ્યા છે.

આ ચુકાદાને ૯૦૦૦ કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાના પ્રત્યર્પણ કેસમાં પણ ઘણો અગત્યનો માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માલ્યાએ પણ ચાવલાની જેમ જ મુંબઈની આર્થર રોડ જેલની હાલત સારી ન હોવાની અને ત્યાં સલામતી ન હોવાની દલીલો કરી હતી.

લંડન હાઈકોર્ટના જસ્ટિસ લેગેટ અને જસ્ટિસ ડાઈંગમેન્સે તેમના ચુકાદામાં જણાવ્યું કે તિહાર જેલમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઈ ખતરો નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના ફિક્સિંગના ગંભીર આરોપો છે. આ સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના તત્કાલીન કેપ્ટન હેન્સી ક્રોનીયે મેચફિક્સિંગનો કેસ છે, જેમાં ભારતીય ક્રિકેટર અજય જાડેજા અને મોહમ્મદ અઝહરુદ્દીન પર પણ આરોપો લાગ્યા હતા.

બ્રિટિશ હાઈકોર્ટે શુક્રવારે ભારત સરકાર તરફથી જૂન મહિનામાં આપવામાં આવેલા ત્રીજા લેખિત આશ્વાસન પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં દિલ્હીની તિહાર જેલની સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવાના અને સંજીવ ચાવલાને પૂરતી અંગત અને સ્વચ્છ જગ્યા ફાળવવાની વાત કરવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે સંજીવ ચાવલા કેસમાં કોર્ટમાં ભારતીય પક્ષ બ્રિટિશ સરકારની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના એ જ બેરિસ્ટર માર્ક સમર્સે રજૂ કર્યો હતો, જેઓ વિજય માલ્યા કેસમાં ભારતીય પક્ષ રજૂ કરવા માટે નિયુક્ત કરાયા છે.

માલ્યાના કેસમાં કોર્ટ સમક્ષ અગાઉ પણ આર્થર રોડ જેલની એ બેરેક નંબર-૧રનો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભારત પ્રત્યર્પણ બાદ માલ્યાને રાખવાના છે. આ કેસમાં આગામી મહિને અંતિમ ચુકાદો આવે તેવી શક્યતા છે.

રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ (બ્રિટિશ હાઈકોર્ટ)ના જસ્ટિસ લેગેટ અને જસ્ટિસ ડાઈંગમેન્સે ભારત સરકારની અપીલ પર નીચલી કોર્ટના આદેશને રદ્દ કરી દીધો હતો. ચુકાદામાં બંને જજે જણાવ્યું હતું કે તમામ મુદ્દાઓ અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી માહિતી-જાણકારી પર ઊંડો વિચાર કર્યા બાદ સ્પષ્ટ લાગી રહ્યું છે કે મિસ્ટર સંજીવ ચાવલાને ભારતીય જેલમાં કોઈ વાસ્તવિક ખતરો (રિયલ રિસ્ક) નથી.

You might also like