બ્રિટનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટની આઈએસની ધમકી

લંડન : બ્રિટીશ સાંસદોએ સપ્તાહની શરૂઆતમાં સીરિયામાં હવાઈ હુમલા કરવાની તરફેણમાં મતદાન કર્યું ત્યારબાદ આતંકી સંગઠન આઈએસએ નવા જારી કરાયેલા વીડિયોમાં બ્રિટનમાં આત્મઘાતી બોંબ હુમલાની ધમકી આપી છે. સાંસદોએ જે દિવસે મતદાન કર્યું તે દિવસે જારી કરાયેલા વીડિયોમાં ચેતવણી આપવામાં આવી હતી કે બદલો શરૂ થઈ ગયો છે અને લોહી વહેશે. ફ્રાંસ તેની શરૂઆત હતી.”

વીડિયોના ફૂટેજમાં એક-૪૭ રાઈફલ પકડીને તથા વિસ્ફોટક બેલ્ટ પહેરીને ઉભેલો એક લડાકુ ૧૩૦ લોકોની હત્યા કરનારા પેરિસના હુમલાખોરોને ફ્રાન્સના પાટનગરને ધમરોળી નાખનાર સિંહોની શહીદી એમ કહીને પ્રશંસા કરતો જણાય છે. અંગ્રેજીમાં બોલતો આ લડાકુ સીરિયા અને ઈરાકમાં આઈએસ વિરોધી ગઠબંધનના સભ્યોને કહે છે કે પીછે હઠ કરો નહીંતર આ વિશ્વમાં અમારી બંદુકો, અમારી ગોળીઓથી અને અમારા વિસ્ફોટકોથી કોઈ સલામત રહેશે નહીં.

દરમ્યાન વેસ્ટ મીડલેન્ડની કાઉન્ટર- ટેરરીસ્ટ પોલીસે જણાવ્યું હતું કે તેઓ પેરિસ હુમલાના સૂત્રધાર અબ્દેલહમીદ અબ્બાઉદ તથા બર્મિંગહામમાં તેના શક્તિશાળી સાથીઓ વચ્ચેની કડીઓની તપાસ કરી રહી છે. ૧૩મી નવેમ્બરે થયેલા પેરિસ હુમલા અગાઉ શહેરમાં કેટલાંક લોકો બેલ્જિયમ- મોરોક્કોના અબ્બાઉદ અને તેની ટોળકીના સંપર્કમાં હતા તેવી શંકાને આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.

બંદુકધારીઓ પૈકીના એકે આ વર્ષે બ્રિટનની મુલાકાત લીધી હતી. તેણે બર્મિંગહામ અને લંડનની મુલાકાત લીધી હતી. હત્યાકાંડ અગાઉ બર્મિંગહામ તરફ ફોન કોલ પણ થયા હતા, તેમ વેસ્ટ મીડલેન્ડના આસિ-ચીફ કોન્સ્ટેબલ માર્કસ બીયલેએ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે (અમે) લંડનમાંના આતંકવાદ વિરોધી રાહતકર્મીઓ અને સુરક્ષા સેવા સાથે મળીને ફ્રાંસ અને બેલ્જિયમ દ્વારા ચાલતી તપાસમાં તથા બ્રિટનને આતંકીઓની ધમકીને પહોંચી વળવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ.

યુરોપિય ગુપ્તચર અધિકારીઓએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે આઈએસએ હવે પછીના લક્ષ્ય તરીકે બ્રિટનની પસંદગી કરી છે. અને સીરિયાથી પરત ફરી રહેલા બ્રિટીશ લડાકુઓને નવા હુમલા કરવા આદેશ આપ્યા છે. ૪૦૦ જેટલા જેહાદીઓ બ્રિટનમાં પાછા ફર્યા હોવાનું મનાયછે.

સંસદના ગૃહ બાબતોની સમિતિના અધ્યક્ષ કીથ વાઝે જણાવ્યું હતું કે આ બધા પર ઝીણવટભરી નજર રાખવાની જરૂર છે. પેરિસ હુમલા બાદ આપણું ધ્યાન પાછા ફરી રહેલા જેહાદીઓ પર જ હોવું જોઈએ. શાહી પરિવારની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવાઈ છે.

You might also like