બ્રિટને માલ્યાને દેશનિકાલ કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો

નવી દિલ્હી: સરકારી બેન્કોની રૂ. ૯,૦૦૦ કરોડની લોનની ભરપાઈ કરવાનો ઈનકાર કરનાર શરાબના બિઝનેસમેન વિજય માલ્યાની બ્રિટને પોતાના દેશમાંથી હકાલપટ્ટી કરવાની ભારતની માગણીને ફગાવી દીધી છે. બ્રિટિશ એજન્સીઓએ એવી દલીલ કરી છે કે ભારત તરફથી માલ્યાનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે, જ્યારે માલ્યા ૧૯૯૨થી બ્રિટનના નાગરિક છે અને તેથી તેમની બ્રિટનમાંથી હકાલપટ્ટી કરી શકાય નહીં, જોકે બ્રિટને માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ કરવાના મુદ્દે સંમતિ દર્શાવી છે.

બ્રિટિશ એજન્સીઓએ લંડન સ્થિત ભારતીય હાઈકમિશનને જણાવ્યું છે કે માલ્યાને બ્રિટનમાંથી દેશનિકાલ કરી શકાય નહીં. બ્રિટિશ સરકાર તરફથી માલ્યાના પ્રત્યાર્પણ અંગે સંમતિ દર્શાવ્યા બાદ લાંબા સમયથી હાથ તાળી આપી રહેલા માલ્યાની હવે મુશ્કેલીઓ વધતી દેખાય છે, જોકે માલ્યાના પ્રત્યાર્પણ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચે આ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે તે હવે જોવાનું છે. ભારત સરકાર પહેલેથી જ વિજય માલ્યાને સોંપવાનો બ્રિટિશ સરકારને અનુરોધ કરી ચૂકી છે. બ્રિટને જોકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બ્રિટનના નિયમો અનુસાર માલ્યાને દેશનિકાલ કરી શકાય નહીં.

વિજય માલ્યાની મુશ્કેલીઓ હવે વધી રહી છે. બેન્ક લોન ભરપાઈ કરવાનો ઈનકાર કરનાર વિજય માલ્યા સામે ઈડીએ કાર્યવાહી કરીને તેમના શેર ફ્રીઝ કરવાની યોજના તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માલ્યાના મેંગલોર કેમિકલ્સમાં ૨૧.૯૮ ટકા, યુબી હોલ્ડિંગમાં ૫૨.૩૪ ટકા, યુનાઈટેડ સ્પિરિટમાં ૩૨.૪૫ ટકા અને મેક ડોવેલ હોલ્ડિંગમાં ૧૭.૯૯ ટકા શેર છે. જો ઈડી તેમના શેર ફ્રીઝ કરવાની કાર્યવાહી કરશે તો તેમને મોટો ફટકો પડશે, કારણ કે તેઓ અન્ય કંપનીઓ સાથે આ શેર અંગે ડીલિંગ કરી શકશે નહીં.

You might also like