ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા બ્રિટનમાં નવાે વિઝા પ્રસ્તાવ

લંડન: બ્રિટનની ટોપ યુનિવર્સિટીની પ્રતિનિધિ સંસ્થાએ વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ થોડો સમય અહીં કામ કરવાની પરવાનગી આપનાર નવા વિઝાની માગણી કરી છે. ર૦૧રમાં બ્રિટીશ સરકારે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા ખતમ કરી દીધા હતા.
આ વિઝા બાદ સ્નાતક થયા પછી વિદ્યાર્થીઅો બે વર્ષ સુધી અહીં કામ કરી શકતા હતા.

આ નિયમ બદલાયા બાદ દુનિયાભરના દેશો ખાસ કરીને ભારતમાંથી અહીં આવનારા વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડો થયો હતો. ર૦૧૦-૧૧માં બ્રિટનમાં આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ર૪,૦૦૦ હતી તો ર૦૧પ-૧૬માં તે ઘટીને ૯,૦૦૦ થઇ ગઇ હતી.

આ જોતાં યુનિવર્સિટીઝ યુકેના ઇન્ટરનેશનલ પોલિસી નેટવર્કે સરકાર પાસે નવા પોસ્ટ સ્ટડી વિઝાની માગણી કરી છે. દેશની ૧૩૬ યુુનિવર્સિટી તેની સાથે જોડાઇ છે. ઇન્ટરનેશનલ પોલસી નેટવર્કના અધ્યક્ષ અને યુનિવર્સિટી ઓફ એક્સ્ટરના કુલપતિ સ્ટીવ સ્મિથે કહ્યું કે નવી વિઝા સિસ્ટમ બનાવવી જરૂરી છે, નહીં તો બ્રિટન વિદેશી વિદ્યાર્થીઓ માટે પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દેશે.

સંસ્થાએ હાલમાં એક અસ્થાયી ગ્લોબલ ગ્રેજ્યુએટ વિઝાનો પ્રસ્તાવ આપ્યો છે, જે હેઠળ યોગ્ય વિદેશી વિદ્યાર્થી સ્નાતક બાદ બે વર્ષ સુધી બ્રિટનમાં કામ કરી શકશે. તાજેેતરમાં લંડનના મેયર સાદીકખાને ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ સમસ્યા જણાવી હતી.

You might also like