નવી દિલ્હી : બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેના પત્ની કેટ મિડલટન પ્રથમ વખત ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ભારત અને ભૂટાનની સાત દિવસીય મુલાકાત માટે આજે મુંબઇ પહોંચશે. આ પ્રવાસ બંને દેશો વચ્ચે મજબુત સંબંધને વધુ મજબુત બનાવશે.
આ અગાઉ બ્રિટિશ હાઇકમિશને જણાવ્યું હતું કે , પ્રિન્સ ભારત પ્રવાસ દરમિયાન ભારતને જોડનાર ચાર મહત્વની કડી, ક્રિકેટ-બોલીવૂડ-રાજકારણ તેમજ પરિવારનો અનુભવ મેળવશે. પ્રિન્સ તેમજ તેના પત્ની ભારતીય જીવન શૈલી કલા અને સંસ્કૃતિ વિશે માહિતી મેળવશે. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન તાજમહેલ જોવા પણ જશે.
શાહી દંપતિના પ્રવાસ અંગે હાઇકમિશને જણાવ્યું કે રવિવારે ઓવલ મેદાન જઇ મુંબઇની ત્રણ પરમાર્થ સંસ્થાઓ વચ્ચેની લાભાર્થી ક્રિકેટ મેચનો આનંદ માણશે. રવિવારે રાત્રે બિઝનેસમેન તેમજ બોલીવૂડની જાણીતી હસ્તીઓ સાથે ડીનર લેશે. મુંબઇના ફિલ્મ તેમજ રચનાત્મક ઉદ્યોગ અંગે જાણકારી પ્રાપ્ત કરશે. ત્યારબાદ સોમવારે તેઓ દિલ્હી જશે. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન આસામની મુલાકાત લે તેવી શક્યતા છે.