હા, હું પરમાણુ હુમલા કરીને લાખો લોકોને ખતમ કરી શકું છુંઃ થેરેસા મે

લંડન: બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ કોઈ પણ જાતના ખચકાટ વગર એવી જાહેરાત કરી છે કે જરૂર પડ્યે હું લાખો લોકોને પરમાણુ હુમલો કરીને ખતમ કરી શકું છું. વડા પ્રધાને સંસદમાં ચર્ચા દરમિયાન આવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. બ્રિટનની સંસદમાં ટ્રાઈડન્ટ ન્યુક્લિયર વેપન્સ પ્રોગ્રામના નવીનીકરણ પર ચર્ચા ચાલી રહી હતી. સ્કોટિસ નેશનલ પાર્ટીના સાંસદ જ્યોર્જ ક્રિવેને વડા પ્રધાનને પડકાર ફેંકતાં પૂછ્યું હતું કે શું આપ એવા પરમાણુ હુમલા માટે તૈયાર છો કે જેમાં લાખો પુરુષો, મહિલાઓ અને બાળકો ખતમ થઈ શકે છે?

બ્રિટનના વડા પ્રધાને આ પ્રશ્નનો જવાબ માત્ર એક જ શબ્દમાં આપ્યો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, “યસ”. વડા પ્રધાને સાંસદોને એવું પણ કહ્યું હતું કે બ્રિટન જો પોતાનાં અણુશસ્ત્રનો નાશ કરી દેશે તો તે સંપૂર્ણપણે બેજવાબદાર કાર્યવાહી ગણાશે. થેરેસા મેએ જણાવ્યું છે કે યુકેની ટ્રાઈડન્ટ મિસાઈલ સિસ્ટમ દુશ્મનોથી રક્ષણ કરવા માટે છે. તેમણે આ મામલે પોતાના ટીકાકારોને પણ ઘેર્યા હતા.
આ અગાઉ વડા પ્રધાન આવા કાલ્પનિક સવાલોના જવાબ આપવાનું ટાળતા હતા કે શું તેઓ ન્યુક્લિયર બટન દબાવવા માટે તૈયાર છે? શીતયુદ્ધના આખરી વર્ષો દરમિયાન વિદેશ સચિવ સર જેફ્રી હાઉએ જણાવ્યું હતું કે આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈ પણ વડા પ્રધાને ક્યારેય સીધો આપવો જોઈએ નહીં.

જોકે વડા પ્રધાનને ખબર છે કે વિરોધ પક્ષ લેબર પાર્ટીના નેતા આ મામલે તેમના વલણને સમર્થન આપે છે. પૂછ્યા વગર સંસદમાં વિરોધ પક્ષના નેતા જર્મી કોર્બીને નિવેદન આપતા જણાવ્યું છે કે હું લાખો નિર્દોષ લોકોના જીવ લેવા પર કોઈ નિર્ણય લઈ રહ્યો નથી. હું એવું માનતો નથી કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વ્યાપક નરસંહાર કોઈ રીતે પ્રસ્તૂત છે. અણુશસ્ત્રોના નવીનીકરણને લઈને વોટિંગનો નિર્ણય ડેવિડ કેમરુને કર્યો હતો. ડેવિડ કેમરુન સંસદમાં ત્રીજી હરોળમાં બેઠા હતા.

તેમણે જણાવ્યું હતું કે તેમના ઉત્તરાધિકારીએ હાઉસ ઓફ કોમર્સમાં જે કંઈ કહ્યું છે તેમાં એવું કાંઈ નથી.
સત્તાવાર રીતે સંસદને અણુ મિસાઈલ્સ અને શસ્ત્રોથી સજ્જ ચાર ટ્રાઈડન્ટ સબમરીન પર ૩૦ અબજ પાઉન્ડના ખર્ચે નવીનીકરણ માટે દરખાસ્ત રજૂ કરાઈ છે. આ સબમરીન્સ દિવસ-રાત સમુદ્રમાં પેટ્રોલિંગ કરશે. ટ્રાઈડન્ટને તત્કાલીન વડા પ્રધાન માર્ગારેટ થેચરે અમેરિકા પાસેથી ખરીદી હતી.

You might also like