પ્રેમિકાની હત્યા બદલ બ્રિટનમાં NRI સૈનિકને ૨૨ વર્ષની સજા

નવી દિલ્હીઃ બ્રિટનમાં ભારતીય મૂળના સૈનિકને તેની પૂર્વ ગર્લ ફ્રેન્ડની હત્યા કરવાના કેસમાં 22 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. હેરી ધીલોન પર આરોપ હતો કે તેણે નોર્થ-ઈસ્ટ ઈંગ્લેન્ડના એક ફલેટમાં ઘૂસી જઈને તેની પૂર્વ ગર્લ ફ્રેન્ડનું ગળું કાપી નાખી હત્યા કરી હતી. ગઈ કાલે ન્યૂ કેસલ ક્રાઉનની કોર્ટે તેને દોષિત ઠરાવી આ સજા ફરમાવી હતી.

સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર લાન્સ કોરપોરલ ત્રિમાન હેરી ધીલોન (ઉ.વ.26) એ એલિસ રગલ્સના ફલેટમાં ઘૂસી જઈને તેની હત્યા કરી હોવાનો તેના પર આક્ષેપ હતો.તેમજ હત્યા બાદ તે એલિસને આપેલી ચોકલેટ અને ગિફટ લઈને ફરાર થઈ ગયો હતો.જોકે આ અંગે કમાન્ડિંગ ઓફિસરે તેને યુવતીથી દૂર રહેવા આદેશ આપ્યો હતો. તેમ છતાં તે આ યુવતીને ફોન કરતો હતો અને પત્ર પણ મોકલતો હતો. આ કેસમાં કોર્ટને કેટલાક મજબૂત પુરાવા મળતાં અત્યાર સુધી હત્યાનો ઈનકાર કરનાર ભારતીય મૂળના સૈનિકને કોર્ટે 22 વર્ષની સજા ફરમાવી છે.

વકીલના જણાવ્યા અનુસાર 10 ઓકટોબર 2016ના રોજ ધીલોન એલિસના ઘેર ગયો હતો. ચાકુ વડે યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. આ દરમિયાન એલિસ અને હેરી વચ્ચે થયેલી તકરારનો અવાજ પડોશીઓએ સાંભળ્યો હતો. હત્યા બાદ એલિસની લોહીથી લથબથ લાશને તેની સાથે રહેતી બીજી યુવતીએ જોઈ હતી. તેથી તેણે આ અંગે આસપાસના લોકોને જાણ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે એલિસના ગળા પર ચાકુના છ ઘા મારવામાં આવ્યા હતા. ધીલોન અને એલિસની મિત્રતા ઈન્ટરનેટ દ્વારા થઈ હતી. ત્યારે હેરી અફઘાનિસ્તાનમાં ફરજ બજાવતો હતો. જોકે કોર્ટને પૂરતા પુરાવા મળી જતાં આ કેસમાં ભારતીય મૂળના સૈનિક હેરીને 22 વર્ષની સજા ફરમાવવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like