બ્રાઈડલ મેકઅપ ટ્રેન્ડ

બ્રાઈડલ મેકઅપ અત્યંત સૂઝબૂઝ માગી લે છે. પ્રસંગને યાદગાર બનાવવાનો સમય હોય ત્યારે પ્રત્યેક યુવતી તેના મેકઅપ પ્રત્યે વધુ સભાન હોય છે. બ્રાઈડલ મેકઅપ અંગે ટિપ્સ આપતાં જાસ્મીન બ્યુટીપાર્લરનાં ઉર્વશી દવે કહે છે કે, “હવેની યુવતીઓ લગ્નની તૈયારીઓ કેટલાક મહિના પહેલાંથી જ શરૃ કરી દે છે. લગ્ન અને રિસેપ્શનના દિવસે આકર્ષક દેખાવા માટે યુવતીઓ ખાસ ટ્રીટમેન્ટ પણ લેતી થઈ છે.”

બ્રાઈડલ મેકઅપ ટ્રેન્ડ
બ્રાઈડલ મેકઅપમાં અત્યારે ટ્રાન્સપરન્ટ અને ગ્લોસી મેકઅપ ઈન છે. આ બંને એવા મેકઅપ છે જે કર્યા બાદ સ્કિનમાં એકદમ સેટ થઈ જાય છે. આ લાઈટ મેકઅપ હોવા છતાં આકર્ષક લુક આપે છે. આ બંને મેકઅપમાં હાઈ ડેફિનેશન એટલે કે એચડી ફાઉન્ડેશન અને એચડી કૉમ્પેક્ટ પાઉડરનો વપરાશ કરાય છે. આ એવો મેકઅપ છે જે કર્યા બાદ હેવી લાગતો નથી અને ચહેરાને આકર્ષક બનાવે છે. ચહેરાના આકાર મુજબ મેકઅપ કરાય છે. આંખોના મેકઅપમાં સ્મોકી આઈ મેકઅપ ઈન છે. સ્મોકી આઈ મેકઅપમાં બ્રાઉન, બ્લૂ અને બ્લેક કલર ઈન છે.

લિપસ્ટિકમાં મેટ રેડ કલર વધુ પસંદ કરાય છે. ગ્લોસી મેકઅપમાં ચિકબોન્સને વધુ હાઈલાઈટ કરાય છે. તેમાં લિક્વિડ અથવા પાઉડર ફોર્મમાં શિમર વપરાય છે. શાઈનિંગ માટે ગોલ્ડન અને સિલ્વર કલર જ વપરાય છે. આ બંને મેકઅપની રેન્જ રૃપિયા ૫૦૦૦થી ૨૫૦૦૦ સુધીની છે.  બ્રાઈડલ મેકઅપની વાત કરીએ અને હેરસ્ટાઈલનો ઉલ્લેખ ન થાય તો વાત અધૂરી જ રહે. હાલ બ્રાઈડલ માટે મેસી હેરસ્ટાઈલ ઈન છે. આ ઉપરાંત ફ્રેન્ચ ફ્રન્ટ એન્ડ બૅક, સ્પ્લીટ, ઓપન હેર અને ઓપન કર્લ સ્ટાઈલ પણ ઈન છે.

મેકઅપ પહેલાં અને પછી લેવાની કાળજી
બ્રાઈડલ મેકઅપ પહેલાં સિમ્પલ ક્લીનઅપ કરાવવું જરૃરી છે. ક્લીનઅપથી સ્કિનમ સ્વચ્છ થશે અને મેકઅપ યોગ્ય રીતે થશે. મેકઅપ દૂર કરવો પણ એટલો જ જરૃરી છે. આ માટે ક્લીન્ઝિંગ મિલ્ક, બેબી ઓઈલ અથવા કોપરેલ તેલ વાપરો. મેકઅપ દૂર કર્યા બાદ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાથી સ્કિન ડ્રાય ન રહે.

બેસ્ટ બ્રાઈડલ લુક માટે છ મહિના અગાઉથી તૈયારી
યુવતીઓ હવે બ્રાઈડલ બનતાં પહેલાં છ મહિના અગાઉથી જ ખાસ ટ્રીટમેન્ટ લેવાનું શરૃ કરી દે છે અને તેથી જ બ્યુટી પાર્લર્સમાં આ માટે પ્રિ-બ્રાઈડલ પેકેજીસ પણ ઉપલબ્ધ છે. છ મહિના પહેલાંથી યુવતીઓ સ્કિન ટ્રીટમેન્ટ લેવાનું શરૃ કરે છે જેમાં તેમને ખાનપાનની આદતો સુધારવા અંગે ટિપ્સ અપાય છે. પાણી વધારે પીવાથી અને વિટામિન-સી ભરપૂર માત્રામાં મળે તેવાં ફળોના જ્યૂસ પીવાથી સ્કિન છ માસમાં જ ચમકીલી બને છે. આ ટ્રીટમેન્ટ દરમિયાન પેડિક્યોર, મેનિક્યોર, બોડી મસાજ, હેરસ્પા, બોડી પૉલિશ સહિતની સર્વિસ અપાય છે. આ પેકેજ રૂપિયા ૫૦૦૦થી ૨૦,૦૦૦ સુધીનાં હોય છે.

સોનલ અનડકટ

You might also like