આજથી ગોવામાં બ્રિક્સ શિખરઃ આતંક અને આર્થિક સુધારાના મુદ્દાઓ છવાશે

પણજી: ભારતના યજમાન પદે આજથી ગોવામાં પણજી ખાતે બ્રિક્સ સંમેલનનો વાજતે ગાજતે આરંભ થઈ રહ્યો છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બ્રિક્સ રાષ્ટ્રોના તમામ વડાઓ ગોવા પહોંચી ગયા છે. આ સંમેલન માટે એસપીજી અને એનએસજી કમાંડો સહિત જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હુમલાની આશંકાને ધ્યાનમાં લઈને સમુદ્ર કિનારે લશ્કરના જવાનો અને એન્ટી એરક્રાફ્ટ ગન ગોઠવવામાં આવી છે. સંમેલન સ્થળે કમળના ફૂલને બ્રિક્સ સંમેલનનો લોગો બનાવવામાં આવ્યો છે. ફૂ બ્રિક્સ સંમેલન સ્થળ તરફ જતા માર્ગો પર સભ્ય દેશોના ધ્વજ લહેરાઈ રહ્યા છે. બે િદવસનાં આ શિખર સંમેલનમાં આતંકવાદને આર્થિક સુધારાના મહત્ત્વના મુદ્દાઓ ચર્ચામાં છવાયેલા રહેશે. બ્રિક્સ સંગઠન પાંચ દેશ-બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું બનેલું ગ્રૂપ છે. આ શિખર સંમેલનમાં વિશ્વની ૪૩ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલન અને દ્વિપક્ષીય વાતચીત માટે હાજરી આપવા ગોવા પહોંચી ગયા છે. મોદીએ બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા આવી પહોંચેલા રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિનનું સ્વાગત કર્યું હતું. મોદીએ ટ્વિટર પર પુતિનનું સ્વાગત કરતાં જણાવ્યું હતું. ભારત આપનું સ્વાગત કરે છે – રાષ્ટ્ર પ્રમુખ પુતિન. એક મંગળદાયી યાત્રાની શુભેચ્છા. ભારત અને રશિયા વચ્ચે આજે દ્વિપક્ષીય સંબંધોને નવું પરિમાણ આપવા દ્વિપક્ષીય બેઠક યોજાશે અને બંને દેશ વચ્ચે અબજો ડોલરના સંરક્ષણ સોદાઓ પર હસ્તાક્ષર થવાની આશા છે.

આજથી ગોવામાં પણજી ખાતે આઠમું બ્રિક્સ સંમેલન મળી રહ્યું છે. બ્રિક્સ સંમેલનની શરૂઆત ૨૦૧૧માં થઈ હતી. તેનો હેતુ આર્થિક અને રાજકીય મોરચે પશ્ચિમી દેશનાં આધિપત્યને પડકાર આપવાનો છે. આજથી શરૂ થતાં આ બ્રિક્સ સંમેલનમાં ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સાવ એકલું અટૂલું પાડી દેવાની કોશિશ કરશે. ભારત પાકિસ્તાન વિરુદ્ધ પોતાનાં રાજદ્વારી આક્રમણને વધુ વેધક બનાવશે. આ ઉપરાંત આતંકવાદ સામે કામ લેવા એક વૈશ્વિક સંકલ્પ માટે સમર્થન મેળવવા ભારત પ્રયાસ કરશે.

બે િદવસ ચાલનારા આ સંમેલન પૂર્વે પીએમ મોદીએ ટ્વિટ કરીને મુખ્ય ગ્લોબલ અને પ્રાદેશિક પડકારો પર ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયાના નેતાઓ સાથે સકારાત્મક વાતચીતની આશા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન મોદીએ બ્રિક્સ અને બિમ્સસ્ટેક ગ્રૂપના વડાઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષો માટે રવિવારે રાત્રે લક્ઝરી હોટલ લીલા ગોવામાં એક રાજદ્વારી ભોજન સમારોહનું આયોજન કર્યું છે. બિમ્સસ્ટેક દેશોમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા થાઈલેન્ડ, ભુટાન અને નેપાળનો પણ સમાવેશ થાય છે.

બ્રિક્સ-બિમ્સસ્ટેક શિખર સંમેલન ગોવાની હોટલ તાજ એક્ઝોટિકામાં યોજવામાં આવ્યું છે. લીલા હોટલના પ્રવકતાએ જણાવ્યું હતું રાત્રી ભોજન સમારંભમાં ૨૫૦થી વધુ ગણમાન્ય અતિથિ ભાગ લેશે. આ દરમિયાન ભારતના જાણીતા કલાકાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરશે. આ બે િદવસની બેઠકમાં બ્રિક્સ દેશ પોતાની એક અલગ ક્રેડિટ રેટિંગ એજન્સીની પણ રચના કરશે જે આર્થિક ક્ષેત્રમાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

You might also like