સેક્શન ઓફિસર, ક્લાર્ક અને મહિલા અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયાં

અમદાવાદ: લાંચરુશ્વત વિરોધી બ્યૂરોએ વાઘોડિયા અને રાજકોટમાં બે જુદાં જુદાં છટકાં ગોઠવી તાલુકા પંચાયતનાં સેક્શન ઓફિસર, ક્લાર્ક અને રાજકોટના સેલટેક્સના એક મહિલા અધિકારીને લાંચની રકમ સ્વીકારતાં અાબાદ ઝડપી લઈ ગુના દાખલ કર્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે વડોદરાના વાઘોડિયા તાલુકા પંચાયતમાં બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા રમેશ વસાવા અને ક્લાર્ક અશ્વિન ચૌહાણે એક કોન્ટ્રાક્ટર પાસે રૂ. ૧૮ લાખનું બિલ મંજૂર કરવા માટે રૂ. ૬૦ હજારની લાંચ માગી હતી. જ્યારે ક્લાર્ક અશ્વિન ચૌહાણે રૂ. ૨૫ હજાર લાંચ પેટે અલગથી માગ્યા હતા. અા અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં અાવતાં એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતાં રમેશ વસાવા અને અશ્વિન ચૌહાણને અાબાદ ઝડપી લઈ અા અંગે ગુના દાખલ કર્યા છે.

અા ઉપરાંત રાજકોટના સેલટેક્સ વિભાગના મહિલા અધિકારી રાગિણી શરદ રાવલ પણ રૂ. ૨.૨૫ લાખની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાઈ ગયાં હતાં. અા મહિલા અધિકારીએ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારી પાસે વેચેલાં વાહનોનો વેટ નહીં ભરવા માટે નોટિસ ફટકારી રૂ. ૨.૨૫ લાખની લાંચની રકમ માગી હતી. ટ્રાન્સપોર્ટરે અા અંગે એસીબીમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવવામાં અાવ્યું હતું. છટકા દરમિયાન ઉપરોક્ત મહિલા અધિકારી લાંચની રકમ સ્વીકારતાં અાબાદ ઝડપાઈ ગયા હતા. એસીબીએ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like