લાંચકાંડ: મહિલા પોલીસ સ્ટેશનનાં પીઅાઈ દિવ્યા રવિયા ભૂગર્ભમાં

અમદાવાદ: દુષ્કર્મ અને ઘરેલુ હિંસાના કેસમાં રૂ. સાત લાખની લાંચ લેવાના મામલે ગઇ કાલે એન્ટિકરપ્શન બ્યૂરોએ નવરંગપુરાના મીઠાખળી છ રસ્તા સ્થિત મહિલા સ્ટેશનમાં છટકું ગોઠવી બે મહિલા કોન્સ્ટેબલ અને એક મહિલા વકીલને રૂ.સાત લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધાં હતાં. એસીબીની પ્રાથમિક પૂછપરછમાં મહિલા પીઆઇ દિવ્યા રવિયાનું નામ ખુલ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એસીબી ગત મોડી રાત્રે દિવ્યા રવિયાના મકાન ખાતે સર્ચ ઓપરેશન કરવા ગઇ ત્યારે ઘરે તાળું જોવા મળ્યું હતું.

ઉપરાંત તેઓનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. રૂ.સાત લાખની લાંચ લેતાં મહિલા પોલીસ સ્ટેશનની બે કોન્સ્ટેબલ ઝડપાતાં પીઆઇ દિવ્યા રવિયા હાલ ભૂર્ગભમાં ઊતરી ગયાં છે. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇની સંડોવણી બહાર આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો જે મહિલા પોલીસ સ્ટેશનમાં થતા હતા તેમાં ગઇ કાલે એન્ટિકરપ્શન બ્યૂરોએ ફરિયાદના આધારે છટકું ગોઠવી રૂ.સાત લાખની લાંચ લેતાં મહિલા કોન્સ્ટેબલ રમીલાબહેન અને કપિલાબહેન રંગે હાથ ઝડપી લીધાં હતાં. મધ્યસ્થી કરનાર મહિલા વકીલ ઉમાબહેનને પણ પોલીસે ઝડપ્યા હતા. દુષ્કર્મના કેસમાં ફરિયાદ નહીં નોંધવા અને છૂટાછેડાની અરજી માટે રૂ.૧પ લાખની માગ કરવામાં આવી હતી, પછી ૧૦ લાખ સુધી વાત થઇ હતી. આશરે રૂ.સાત લાખની વાત થતાં ફરિયાદીએ એસીબીને જાણ કરતાં છટકું ગોઠવ્યું અને તમામને ઝડપી લીધાં હતાં.

એસીબીની રેડ દરમ્યાન મહિલા પીઆઇ દિવ્યા રવિયા તેમના પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક ફરાર થઇ ગયાં હતાં. રેડની તેમને જાણ થતાં તરત જ તેઓ પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ એસીબીની પ્રાથમિક પૂછપરછમાં મહિલા પીઆઇ દિવ્યા રવિયાનું નામ ખુલ્યું છે. ફરિયાદીની પત્નીએ કરેલી અરજીની તપાસ દિવ્યા રવિયા કરતાં હતાં. મહિલાની અરજીની તપાસમાં દુષ્કર્મનો જેમના પર આરોપી હતો તેઓને બોલાવી એફઆઇઆર દાખલ થશે તો ધરપકડ થશે અને છૂટવાના ફાંફાં પડશે તેવી ધમકી અપાઇ હતી અને સમાધાન કરી લેવા રૂ.૧પ લાખની માગ કરાઇ હતી.

હાલમાં દિવ્યા રવિયાની સંડોવણી બહાર આવતાં એસીબી તેઓની સામે કાર્યવાહી કરી શકે છે. પોલીસ દ્વારા બંને કોન્સ્ટેબલ અને દિવ્યા રવિયાના મકાન ખાતે સર્ચ કરતાં ઘરની બહાર માત્ર સિક્યુરીટી ગાર્ડ એસીબીને મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બંને કોન્સ્ટેબલોની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઇ શકે તેવી શકયતા એસીબી વ્યક્ત કરી રહી છે. પીઆઇ ભુર્ગભમાં ઉતરી જતાં તેઓની સામેની શંકા વધુ મજબુત બની છે.

ઘરેલુ હિંસા કહો કે દુષ્કર્મ, સ્ત્રી સાથેના અત્યાચારોની ફરિયાદ સંદર્ભે બનાવાયેલા મહિલા પોલીસ સ્ટેશન જેમાં કેસમાં સમાધાન, અરજીના નિકાલ અથવા કોઇપણ પ્રકારની કાર્યવાહી માટે રૂ.પ૦૦-૧૦૦૦ પણ માગવામાં આવતા હતા. તે મહિલા પોલીસ સ્ટેશન આખરે એન્ટી કરપ્શન બ્યૂરોએ સકંજો કસી રૂ. ૭ લાખની લાંચ લેતાં બે મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. મહિલા પોલીસ સ્ટેશન અગાઉથી જ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મીઓ દ્વારા ફરિયાદ કરવા આવતી મહિલાઓ અને જવાબ લખાવવા આવતા લોકો સાથે ગેરવર્તણૂંકના અનેક કિસ્સા ચર્ચાયા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કેસની અરજી આવે તો તે અરજીમાં સત્તાવાળાને જવાબ લખાવવા બોલાવ્યા બાદ સમાધાન માટે દબાણ કરવામાં આવે છે.

You might also like