ત્રણ પોલીસકર્મી સહિત આઠ સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા

અમદાવાદ: લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ રાજ્યના જુદા જુદા પ્રાંતમાં છટકાં ગોઠવી છેલ્લા એક મહિના દરમ્યાન અાઠ સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ ગુના દાખલ કર્યા છે. લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના  જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના પીપળિયા ગામે ડીએલઆર વિભાગના લાઇસન્સી સર્વેયર દીપેન કાથરોટિયાએ ગામના ખેડૂત પાસે જમીનની માપણી કરવા બદલ રૂ.૧પ,૦૦૦ની લાંચ માગી હતી જે રકમ સ્વીકારતા એસીબીએ તેને ઝડપી લીધા હતા.

ભાવનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઇ વાઘેલા મારામારીના કેસમાં રૂ.પ૦૦૦ની લાંચ સ્વીકારતા એસીબીએ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી લીધા હતા. બોરસદના દાવોલ ગામના તલાટી મંત્રી રણજિતસિંહ ઝીણાભાઇ પરમારે આ જ ગામના એક રહીશ પાસે ઘર નંબરની ફાળવણી માટે રૂ.પ૦૦ની લાંચ માગી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવી તલાટીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લઇ ગુનો દાખલ કર્યો હતો.

આ ઉપરાંત પાલિતાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસી. સબ ઇન્સ્પેકટર દિલીપ એમ. બારોટે પાલીતાણાના રહીશ પ્રશાંત ચૌહાણને અગાઉના કેસમાં હેરાન ન કરવા માટે રૂ.૧ર૦૦૦ની લાંચની માગણી કરી હતી. આ અંગે પ્રશાંત ચૌહાણે કરેલી ફરિયાદના આધારે એએસઆઇ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેમજ ભૂજમાં કોમી વૈમનસ્ય ફેલાવતા એસએમએસના કેસના એક આરોપી પાસેથી રૂ.ર૦૦૦ની લાંચ લેતા એએસઆઇ કે.એમ. યાદવને એસીબીએ ઝડપી લઇ આ અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like