બ્રેક્ઝિટ પરિણામ પૂર્વે શેરબજાર, રૂપિયો, સોના-ચાંદીમાં સાવચેતીભરી ચાલ

અમદાવાદ: બ્રિટન યુરોપિયન યુનિયનમાં રહેશે કે નહીં તે અંગે આજે જનમત છે. આવતી કાલે પરિણામ બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે, જોકે આવતી કાલના પરિણામ પૂર્વે આજે શેરબજાર, સોના-ચાંદી તથા ક્રૂડમાં સાવધાનીપૂર્વકની ચાલ જોવા મળી હતી.

રૂપિયો સાધારણ મજબૂત
શરૂઆતે ડોલર સામે રૂપિયામાં સાધારણ મજબૂતાઇની ચાલ નોંધાઇ હતી. રૂપિયો ચાર પૈસા મજબૂત ૬૭.૪૩ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે ડોલર સામે રૂપિયો ૬૭.૪૭ની સપાટીએ બંધ થયો હતો.

શેરબજાર શુષ્ક
આજે શેરબજાર શરૂઆતે સાધારણ સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૨ પોઇન્ટના સુધારે ૨૬,૮૦૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૩.૭૦ પોઇન્ટના સુધારે ૮૨૦૦ની ઉપર ૮૨૦૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી, જોકે ત્યાર બાદ આ સુધારો ધોવાઇ ગયો હતો અને નિફ્ટી ૮૨૦૦ની સપાટી તોડી નીચે ૮૧૯૭ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

ક્રૂડમાં સાધારણ તેજી
ક્રૂડમાં સાધારણ તેજીની ચાલ નોંધાઇ હતી. નાયમેક્સ ક્રૂડ ૦.૫ ટકાના સુધારે ૫૦ ડોલરની સપાટીએ જોવાયું હતું. એ જ પ્રમાણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ૦.૫ ટકાનો સુધારો નોંધાયો છે.

સોના-ચાંદીમાં નરમાઈ
આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં નરમાઇ તરફી ચાલ નોંધાઇ હતી. સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઇ રૂ. ૨૯,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો ઘટાડો જોવાઇ  રૂ. ૪૦,૫૦૦ની સપાટીએ ભાવ જોવાયો હતો.

You might also like