ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ એટેકનો આરોપી બ્રેન્ટન પાંચ એપ્રિલ સુધી જેલભેગો

(એજન્સી) ક્રાઈસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલાના આરોપી બ્રેન્ટન ટેરેન્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેની કોઈ દલીલ સાંભળ્યા વગર જ તેને પ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે મૂળ ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટને ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદમાં જુમ્માની બપોરની નમાજ પઢી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ફેસબુક પર આ નરસંહારનું લાઈવ વીડિયો સ્ટ્રિમિંગ કરીને ૪૯ લોકોની હત્યા કરી હતી.

હાથકડી અને જેલનો સફેદ શર્ટ પહેરેલા પૂર્વ ફિટનેસ પ્રશિક્ષક બ્રેન્ટન હેરિસન ટેરેન્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે જામીનની અરજી પણ કરી ન હતી. આ કારણે તેને પ એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલી અપાયો હતો.  આરોપી બ્રેન્ટને કોર્ટમાં વ્હાઇટ સુપ્રીમસી દર્શાવતો ઇશારો કરીને જણાવ્યું હતું કે તેને આ હત્યાકાંડનો કોઇ અફસોસ નથી ઊલટાનું તે ગર્વભેર કોર્ટમાં હસતો નજરે પડ્યો હતો. કોર્ટે તેની આ હરકતની ગંભીર નોંધ લીધી હતી.

ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને જણાવ્યું હતું કે આ હુમલામાં પ્રભાવિત મોટા ભાગના લોકો પ્રવાસી કે પછી શરણાર્થી છે. એ સ્પષ્ટ છે કે આ હુમલાને હવે ફક્ત આતંકવાદી હુમલો જ કહેવો જોઈએ. આ હુમલો પૂર્વ આયોજિત હતો. ઉલ્લેખનીય છે કે ક્રાઈસ્ટચર્ચની મસ્જિદો પર થયેલા હુમલા બાદ મૂળ ભારતીય નવ વ્યક્તિઓ લાપતા બની છે અને હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.

You might also like