ક્રૂડ ઑઈલ 27 મહિનાની ઉંચી સપાટીએ, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધે તેવી શક્યતા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ર૭ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડ ૬૦ ડોલરને પાર પહોંચી ગયું છે, જેના પગલે સ્થાનિક બજારમાં પણ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ વધીને આજે ૬૭.૭૬ પ્રતિલિટરની સપાટીએ પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવ પ્ર‌િતલિટર વધીને ૬૧.૧૧ની સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડના વધતા જતા ભાવના પગલે સરકારની ચિંતા વધી ગઇ છે.

ક્રૂડના વધતા ભાવના પગલે ફુગાવો વધવાની શક્યતા વધી ગઇ છે એટલું જ નહીં, આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરે તેવી સંભાવના ઓછી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દેશનો આર્થિક વિકાસ મંદ પડી રહ્યો છે તથા ઉદ્યોગો જીએસટી બાદ આર્થિક વિકાસને સપોર્ટ મળે તે માટે નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ વૈ‌િશ્વક બજારમાં ક્રૂડના વધતા જતાં ભાવના પગલે સરકારની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

પેટ્રોલિયમ ડીલર એસોસીએશનના જણાવ્યા પ્રમાણે સામાન્ય સિઝનની સરખામણીમાં ઠંડીની સિઝનમાં ક્રૂડના વપરાશમાં ૧૦થી ર૦ ટકા વધારો નોંધાતો હોય છે. આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં માગ વધવાની શક્યતા જોવા મળી રહી છે. આ સંજોગોમાં ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

You might also like