એપ્રિલ બાદ પ્રથમ વાર બ્રેન્ટ ક્રૂડ 70 ડોલરથી નીચે

લંડન: વૈશ્વિક બજારમાં સપ્લાય વધવાના કારણે અને રોકાણકારોની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઇલ કેટલાય મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડે ૭૦ ડોલરની સપાટી તોડીને પ્રતિબેરલ ૬૯.૭૮ની સપાટીએ આવી ગયું હતું. આમ એપ્રિલ મહિના બાદ પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૭૦ ડોલરથી નીચી સપાટીએ આવી ગયું છે. તેના કારણે ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળશે.

અહેવાલો અનુસાર બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની આ સપાટી ઓક્ટોબરની શરૂઆતની તુલનાએ ૧૮ ટકા ઓછી છે કે જ્યારે ક્રૂડના ભાવ ચાર વર્ષની મહત્તમ સપાટીએ પહોંચી ગયા હતા.

યુએસ લાઇટ ક્રૂડ ઓઇલ પણ ઓક્ટોબરની શરૂઆતથી ૨૦ ટકા તૂટી ચૂક્યું છે અને આ સપ્તાહે ૪.૩ ટકાના ઘટાડા સાથે પ્રતિબેરલ ૬૦.૪૨ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. આમ, ક્રૂડ ઓઇલમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ જ છે.

બ્રેન્ટ ક્રૂડ ચાર મહિનાની અને નાયમેક્સ ક્રૂડ છેલ્લા આઠ મહિનાની નીચી સપાટીએ આ‍વી ગયું છે. ઓક્ટોબરમાં ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો છતાં ક્રૂડમાં તેજી જોવા મળી હતી, પરંતુ ૪ નવેમ્બરે પ્રતિબંધ લાગુ પડ્યા બાદ કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા સહિત ભારત સહિત આઠ દેશને ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની છૂટ આપાતા તેની અસર માર્કેટ પર જોવા મળી છે.

You might also like