રૂપિયાએ ૬૮ની સપાટી તોડતાં આયાતકારો મુશ્કેલીમાં મુકાશે

અમદાવાદઃ ડોલર સામે રૂપિયો ઝડપથી નીચે સરકી રહ્યો છે. આજે શરૂઆતે જ ડોલર સામે રૂપિયાએ ૬૮ની સપાટી ક્રોસ કરી દીધી હતી. ર૧ પૈસા જેટલો મોટો શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે શરૂઆતે ૬૮.૧૭ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. રૂપિયાની નરમાઇના પગલે આયાતકારો ભારે મુશ્કેલીમાં મુકાઇ જઇ શકે છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેકસની સતત મજબૂતાઇના પગલે રૂપિયામાં નરમાઇની ચાલ જોવા મળી રહી છે અને તેના પગલે રૂપિયો વધુુ ને વધુ નબળો પડી રહ્યો છે. ફોરેકસ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ના માર્ચ સુધીમાં રૂપિયો ૬૮.પ૦થી ૬૯ની સપાટીએ જોવાઇ શકે છે એટલું જ નહીં ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીમાં રૂપિયો ૭૦ની સપાટી સુધી પહોંચે તેવું અનુમાન વ્યકત કરાયું છે.

છેલ્લા કેટલાય સમયથી રૂપિયામાં જોવા મળી રહેલી સતત નબળાઇને પગલે આયાતકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક કમ્પ્યૂટર હાર્ડવેર પાર્ટ્સના આયાતકર્તા વેપારીઓના જણાવ્યા પ્રમાણે રૂપિયાની ઘટાડાની ચાલના પગલે મોટા ભાગની કમ્પ્યૂટર પાર્ટ્સની આયાતમાં ૧૦થી ર૦ ટકાનો વધારો નોંધાઇ ચૂકયો છે. તેઓના જણાવ્યા પ્રમાણે અગાઉ નોટબંધી

પૂર્વે ગ્રે માર્કેટમાં નાણાકીય વ્યવહાર થતો હતો અને તેના કારણે બિલની લેવડદેવડ તથા હવાલા મારફતે નાણાંની ચુકવણી થતી હતી, પરંતુ નોટબંધી બાદ આ પ્રકારના વ્યવહાર પર બંધી આવી ગઇ છે અને તેના કારણે કમ્પ્યૂટર પાર્ટ્સના ભાવમાં વધારો થયો છે. રૂપિયાની ઘટાડા તરફી ચાલના પગલે સોનાની આયાત પડતર પણ ઊંચી આવી શકે છે એટલું જ નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની ભીતિ સેવાઇ રહી છે.

home

You might also like