મિલતે હૈ દિલ યહાં મિલ કે બિછડને કો

જોન અબ્રાહમ અને બિપાશા બાસુનું નવ વર્ષ ‌રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થયું, જ્યારે સુઝાન ખાન અને ઋત્વિક રોશને ૧૩ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લીધા. ઋત્વિકના તમામ ચાહકો આ વાતથી દુઃખદ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

આ જ રીતે ફરહાન અખ્તર અને અધુના અલગ થઈ ગયાં તો બીજી તરફ રણબીર કપૂર અને કેટરીના કૈફ વચ્ચેના સંબંધો પણ તૂટી ગયા. તેઓના ચાહકો એવું માનતા હતા કે તેઓ લગ્નજીવનથી જોડાઈ જશે, પરંતુ તેમ ન થઇ શક્યું. નવા વર્ષના બીજા સપ્તાહમાં જ ફરહાન અને અધુનાએ મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે તેઓ એકબીજાથી અલગ થઈ રહ્યાં છે ત્યારે પણ ઘણા લોકો દુઃખી થયા હતા. ફરહાન અને અધુના બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝનું એક સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ કપલ હતું. બંને એકબીજાને પ્રેમ પણ કરતાં હતાં. ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના શૂટિંગ વખતે એકબીજાની નજીક આવ્યાં અને તેમણે લગ્ન કરી લીધાં હતાં.

બોલિવૂડમાં આવાં અનેક કપલ છે, જેમણે લવમેેરેજ કર્યાં, પરંતુ લગ્ન બાદ તેઓ તેમના સંબંધોને જાળવી ન શકતાં એકબીજાથી અલગ થવું પડ્યું. પ્રેમલગ્નની વાત કરીએ તો સૈફ અલી ખાન અને અમૃતા સિંહે ૧૯૯૧માં લગ્ન કર્યાં હતાં, પરંતુ લગ્નનાં ૧૩ વર્ષ બાદ અમૃતા અને સૈફ અચાનક અલગ થઈ ગયાં હતાં, જેની પાછળ સૈફ અને મોડલ રોજા કૈટાલેનો વચ્ચે વધતા સંબંધોને કારણભૂત માનવામાં આવે છે. થોડા સમય બાદ તેના જીવનમાં કરીના કપૂર આવી. બંને લાંબો સમય લિવ-ઈન રિલેશન‌િશપમાં રહ્યાં અને બંનેએ લગ્ન કરી લીધાં હતાં.

આ સિવાય લાંબો સમય ‌રિલેશન‌િશપમાં રહ્યા બાદ છૂટાછેડા લેનારામાં આમિર ખાન અને તેની પૂર્વ પત્ની રીના દત્તનું નામ પણ સામેલ છે. ગયા વર્ષે બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવાએ પણ ચૂપચાપ તલ્લાક લઈ લીધા હતા, જોકે તેમની વચ્ચેના સંબંધો બગડ્યા હોવાની વાતને ચિત્રાંગદા સતત નકારી રહી હતી. ર૦૦૧માં આ બંનેએ લગ્ન કર્યાં હતાં. ૧ર વર્ષ બાદ તેઓએ છૂટાછેડા લઈ લીધા હતા.

આ જ રીતે અભિષેક સાથે સગાઈ તૂટી ગયા બાદ કરિશ્મા કપૂર સંજય કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાઇ, પરંતુ ૧૧ વર્ષ બાદ તેઓ પણ લગ્નજીવનથી અલગ થઈ ગયાં હતાં. આઠ વર્ષ સુધી લગ્નજીવન વીતાવ્યા બાદ સુચિત્રા કૃષ્ણમૂર્તિ અને શેખર કપૂરના પણ તલ્લાક થઈ ગયા હતા. આ પહેલાં કિશોરકુમારે મધુબાલા અને રૂમા ગુહા સાથે લગ્ન કર્યા બાદ કિશોરકુમારે તે બંને સાથે છૂટાછેડા લઈ લીધા હતા.

આ ઉપરાંત ક્રિકેટજગતના મોટા ખેલાડી મહંમદ અઝહરુદ્દીને અભિનેત્રી સંગીતા બીજલાણી સાથે લગ્ન કરવા તેની પહેલી પત્ની નૌરીનને તલ્લાક આપ્યા હતા, પરંતુ ર૦૧૧માં તેના પુત્ર અયાઝનું મોત થયા બાદ તેઓ વચ્ચેના સંબંધમાં અનેક ચઢાવ-ઉતાર આવતાં તેઓ બંને અલગ થઈ ગયાં હતાં.

You might also like