નાસ્તા બાબતે પતિઅે ઠપકો અાપતાં પત્નીઅે ફાંસો ખાધો

અમદાવાદ: શહેરમાં એકાદ બે દિવસે પતિ પત્ની વચ્ચે સામાન્ય તકરારના કારણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરવાના કિસ્સા વધી રહ્યા છે. ગઇ કાલે ખોખરા વિસ્તારમાં આવેલા એક બંગલોઝમાં વેપારી અને તેની પત્ની વચ્ચે નાસ્તો બનાવવા બાબતે થયેલા ઝઘડાનો કરુણ અંત આવ્યો છે. પતિ ફેકટરીએ જતાં પરિણીતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ખોખરા પોલીસ પરિણીતાએ કરેલા આપઘાત મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

વટવા જીઆઇડીસીમાં એલ્યુમિનિયમની ફેકટરી ધરાવતા ગૌરાંગભાઇ ગજ્જર તેમની પત્ની સેજલ અને બે બાળકો ધ્રુવ અને પ્રિન્સુ સાથે ખોખરા વિસ્તારમાં આવેલ વિજય પાર્ક બંગલોઝમાં રહે છે.  ગઇ કાલે વહેલી સવારે ગૌરાંગભાઇ મોર્નિંગ વોક માટે જતા હતા તે સમયે સેજલબહેનને ચા અને નાસ્તો તૈયાર કરીને રાખવાનું કહ્યું હતું. મોર્નિંગ વોક કરીને ગૌરાંગભાઇ પરત ફર્યા ત્યારે સેજલબહેને નાસ્તો તૈયાર નહીં રાખતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ગૌરાંગભાઇ પોતાની ફેકટરી પર જતા રહ્યા હતા.

ધ્રુવ અને પ્રિન્સુ મણિનગરની નેલ્સન હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે ગઇ કાલે ધ્રુવ સ્કૂલમાં ગયો હતો અને પ્રિન્સુ ટ્યૂશન ક્લાસીસમાં ગયો હતો ત્યારે સેજલબહેને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. દરરોજ સેજલબહેન ધ્રુવને લેવા સ્કૂલ પર જતા હોય છે પરંતુ ગઇ કાલે તેઓ સ્કૂલ પર નહીં જતાં ધ્રુવે તેના પિતા ગૌરાંગભાઇને ફોન કર્યો હતો જેમાં ગૌરાંગભાઇએ તેને રિક્ષા કરીને ઘરે જવાનું કહ્યું હતું.

ધ્રુવ ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો ખોલતાં તેની માતાને લટકતી જોઇ હતી. ધ્રુવે બુમાબુમ કરતાં અડોશપડોશના લોકો દોડી આવ્યા હતા અને ગૌરાંગભાઇને જાણ કરી હતી. ખોખરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સેજલબહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

You might also like