બ્રાઝિલનું છઠ્ઠી વાર વિશ્વકપ જીતવાનું સપનું તોડવા બેલ્જિયમની ટીમ ઉત્સુક

કજાનઃ છઠ્ઠી વાર વિશ્વકપ જીતવાનું સપનું લઈને રશિયા પહોંચેલી બ્રાઝિલની ટીમ આજે બીજી ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે. બેલ્જિયમનો ઇરાદો પોતાના દેશના ફૂટબોલ ઇતિહાસને સોનેરી અક્ષરે લખીને આ વર્લ્ડકપને અમર બનાવવા પર રહેશે.

બેલ્જિયમની ટીમ જાણે છે કે આજની મેચ દ્વારા વિશ્વ સ્તર પર એક તાકાતના રૂપમાં ઊભરવા માટે તેઓ પાસે અંતિમ તક છે. બેલ્જિયમની ટીમના ઘણા ખેલાડી ૨૦૨૨માં યોજાનારા વિશ્વકપમાં નહીં હોય. કોચ રોબર્ટો માર્ટિઝે કહ્યું, ”અમારા ખેલાડીઓ માટે આ એક સપના જેવું છે.”

બેલ્જિયમે નોકઆઉટમાં જાપાન સામે ૩-૨થી રોમાંચક જીત હાંસલ કરી હતી. કોચે કહ્યું, ”અમારે ડિફેન્સ મજબૂત રાખવું પડશે, જેથી બ્રાઝિલ પર દબાણ આવી શકે. અમે આના માટે તૈયાર છીએ.”

જ્યારે સામે પક્ષે ઈજાને કારણે નેમાર લાંબા સમયગાળા બાદ સીધો વિશ્વકપમાં રમવા આવ્યો હતો તેમ છતાં તે પોતાની ટીમને અહીં સુધી લાવવામાં સફળ રહ્યો. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇલમાં મેક્સિકો સામે એક ગોલ પણ કર્યો હતો. આજે સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરવા માટે તેઓ બેલ્જિયમ સામે પણ ગોલ કરવો પડશે.

You might also like