બ્રાઝિલનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ જુમા હુસેફને પદ પરથી હટાવાયાં

નવી દિલ્હી: બ્રાઝિલનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ જુમા હુસેફને પદ પરથી હટાવાયાં છે. નાણાકીય અનિયમિતતાના કેસમાં તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવવામાં અાવી રહ્યો હતો અને દેશની સંસદે તેમને પદ પરથી હટાવવાના પક્ષમાં મતદાન કર્યું. તેમને હટાવવાના પક્ષમાં ૬૧ અને નહીં હટાવવાના પક્ષમાં ૨૦ વોટ અાવ્યા.

જુમાને પદ પરથી હટાવાયાં છે, પરંતુ તેમના પર ચૂંટણી લડવાનો પણ પ્રતિબંધ લગાવાયો નથી. તે ઇચ્છે તો ફરી વખત રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી શકે છે. છેલ્લા ઘણા મહિનાથી તેમના મહાભિયોગને લઈને દેશમાં રાજકીય ઊથલપાથલનો માહોલ હતો. તેમને હટાવવાનો ફેંસલો એક મોટા રાજકીય સંઘર્ષનો મહત્ત્વનો અધ્યાય માનવામાં અાવી રહ્યો છે, જેની સમાપ્તિ હજુ દૂર છે.

જુમા પર સંઘીય બજેટના પોતાના પ્રબંધનમાં નાણાકીય કાયદા તોડવાનો અાક્ષેપ છે. અા કેસની સુનાવણીની અધ્યક્ષતા કરનાર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે સેનેટે જાણ્યું કે બ્રાઝિલના સંઘીય ગણતંત્રના રાષ્ટ્રપતિ જુમા હુસેફે નાણાકીય કાયદાઅોનું ઉલ્લંઘન કરીને અપરાધ કર્યો હતો.

બીજી તરફ જુમાઅે ખુદને પદ પરથી હટાવવા માટે કરાયેલા મતદાનને સંસદીય તખતા પલટ ગણાવ્યું. પોતાની વર્ક્સ પાર્ટી સાથે પરત ફરવાનો સંકલ્પ કર્યો. તેમણે કહ્યું કે કોઈ ગુનો કર્યો નથી. એક નિર્દોષ વ્યક્તિને દોષી ઠેરવવામાં અાવી છે.

You might also like