બ્રાઝિલમાં નિર્ભયાકાંડઃ ૩૩ નરાધમે સગીરાને ૩૬ કલાક સુધી રેપ કરીને પીંખી નાખી

સાઉ પાઉલો: લેટિન અમેરિકન દેશ બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિક મહોત્સવ શરૂ થવાને હવે માંડ બે મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે ત્યાંના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થાય એવી એક ખોફનાક ઘટના સામે આવી છે. અહીં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી એક ભયંકર ઘટના બની છે.

૧૬ વર્ષીય એક સગીરા યુવતી સાથે ૩૩ લોકોએ ૩૬ કલાક સુધી સતત બળાત્કાર ગુજાર્યાની એક અરેરાટીભરી ઘટના બહાર આવતાં સમગ્ર દેશમાં વિરોધ ભડકી ઉઠયો છે, કારણ કે સામૂહિક રેપ કરનાર નરાધમોએ આ યુવતીની તસવીર અને વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. ૮૦૦ લોકોએ આ અંગે પ્રશાસનને ફરિયાદ કર્યા બાદ ટ્વિટર પર પીડિતા યુવતીની તસવીર હટાવી દેવામાં આવી છે. આ ઘટના રિયો ડી જાનેરો શહેરના એક સ્લમ વિસ્તારની છે.

આ સગીરા યુવતી શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા ફાવેલા નામના એક વિસ્તારમાં પોતાના બોયફ્રેન્ડના ઘરે મળવા ગઇ હતી ત્યારે તેને કોઇ નશીલી ચીજ આપવામાં આવી હતી અને સવારે જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેની આજુબાજુ ૩૩ નરાધમ ઊભા હતા. કેટલાકના હાથમાં પિસ્તોલ અને રાઇફલ હતી અને ત્યાર બાદ આ ૩૩ લોકોએ સતત ૩૬ કલાક સુધી યુવતી પર ગેંગરેપ ગુજાર્યો હતો.

ત્યાર બાદ છોકરી કોઇ પણ રીતે ઘરે પહોંચી હતી અને તેની હાલત જોઇને પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ સગીરા યુવતી હજુ પણ ઊંડા શોકમાં છે. તે હોસ્પિટલના સ્ટાફ અને પરિવારજનોને સતત એવું કહી રહી છે કે મારે જલદી ઘરે જવું છે.
નરાધમ આરોપીઓએ ૩૬ કલાક સુધી રેપ કર્યા બાદ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે સોશિયલ મીડિયા પર યુવતીના બળાત્કારના ફોટા પ૦૦ જેટલા લોકોએ લાઇક કર્યા હતા અને આ ઘટના માટે યુવતીને જવાબદાર ગણાવી હતી.
છેવટે ૮૦૦ લોકોએ ફરિયાદ નોંધાવ્યા બાદ આ ફોટા અને વીડિયો હટાવી દેવામાં આવ્યા હતા. ઘટના બાદ બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયાં છે.
માનવ અધિકાર પંચે પણ આ ઘટના અંગે કડક વલણ અપનાવ્યું છે. બ્રાઝિલની કુલ વસ્તીમાં બાવન ટકા જ મહિલાઓ છે. અહીં દર ૧૧ મિનિટે કોઇને કોઇ યુવતી બળાત્કારનો ભોગ બને છે. ગત વર્ષે કુલ ૪૭,૬૪૬ બળાત્કારના કેસ નોંધાયા હતા.

You might also like