પ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા

અમદાવાદ જિલ્લાનાં બાવળા ગામમાં ગઇ કાલે જાહેરમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાની છરીના ધા ઝીંકીને હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ૧૭ દિવસ બાદ પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન હોવાથી પ્રેમી તેને ભગાડવા માટે મિત્રોને લઇને આવ્યો હતો. પ્રેમિકાએ આવવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ જાહેરમાં છરીના ઘા ઝીંકીને નાસી ગયો હતો.

પ્રેમિકાને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. સમગ્ર ઘટના બની ત્યારે એક સ્થાનિકે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે વાયરલ થયો હતો. જેમાં પ્રેમી પ્રેમિકા પર હુમલો કરવા માટે છરી લઈને દોડે છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

 

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતા રમેશભાઇ જાદવે બાવળા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે રમેશભાઇ તેમની પત્ની અનીતાબહેન અને પુત્રી મિત્તલ, હીના અને મનીષા તેમજ પુત્ર સાવન સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને કડિયા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

રમેશભાઇ મૂળ ધોલેરાના રહેવાસી છે અને બાવળામાં સંજીવની હોસ્પિટલના ખાંચામાં કિરીટ દરબારના મકાનમાં ભાડેથી રહે છે. ગઇ કાલે રમેશભાઇ અને પત્ની અનીતાબહેન ઘરે હાજર હતાં ત્યારે સાવન દોડતો દોડતો ધરે આવ્યો હતો અને મિત્તલને કોઇએ છરી મારી દીધી છે તેમ જણાવ્યુ હતું. પુત્રી પર છરી વડે હુમલો થયો હોવાની જાણ થતાં જ બન્ને જણા તરત જ બહાર નીકળી ગયા હતાં. જ્યાં ઘટના સ્થળ પર મિત્તલ લોહીથી લથપથ હાલતમાં તરફડિયાં મારતી હતી અને બહેન હીના તેની સાથે ઊભી હતી.

રમેશભાઇ ઇજાગ્રસ્ત મિત્તલને તરત નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. મિત્તલ અને હીના બન્ને જણા પકોડીની લારી પાસે ઊભાં હતાં ત્યારે એક બાઇક પર શ્રવણ અને કેતન આવ્યા હતા. બન્ને જણાએ પકોડીની લારી પાસે બાઇક ઊભું રાખ્યું હતું અને મિતલને તેમની સાથે આવવાનું કહ્યું હતું. મિત્તલે તેમની સાથે જવાની ના પાડી હતી આ સમયે શ્રવણ અને કેતનનો મિત્ર ધનરાજ પણ ચાલતો ચાલતો ત્યાં આવી પહોંચ્યો હતો.

મિત્તલે બાઇક પર બેસવાની ના પાડતાં ત્રણેય જણાએ બળજબરી કરી હતી. જેમાં કેતને તેની પાસે રહેલી છરી મિતલ પર હુલાવી દીધી હતી અને નાસી ગયા હતા. મિત્તલની હાલત વધુ ગંભીર હોવાથી બાવળાની હોસ્પિટલના તબીબોએ તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. મિત્તલને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેની ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

બાવળા પોલીસે શ્રવણ, કેતન અને ધનરાજ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મિતલ અને કેતન એકબીજાંને પ્રેમ કરતાં હતાં. મિત્તલના ૨૬ મેનાં રોજ પ્રકાશ નામના યુવક સાથે લગ્ન થવાનાં હોવાથી કેતન તેને ભગાડીને લઇ જવા માટે આવ્યો હતો. મિત્તલે કેતન સાથે જવાનો ઇન્કાર કરી દેતાં ગઇ કાલે ઉશ્કેરાયેલા કેતને તેના પર છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. મિત્તલનાં લગ્ન બીજે નક્કી થઇ જતાં કેતને આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

You might also like