મમ્મી બહાર જાઉ છું તેવો વોટ્સઅેપ મેસેજ કર્યા બાદ વિદ્યાર્થી લાપતા

મમ્મી હું બહાર જાઉ છું ક્યાં મને ખબર નથી ક્યાં જવું છું અને હું કાલે રાતે આવતો રહીશ. મારી માનસિક હાલત ઠીક નથી એટલે વિચાર્યું બહાર જઇને આવું. આ મેસેજ આઇઆઇટીની તૈયારી કરતા વિદ્યાર્થીએ તેની માતાને વોટ્સઅપ પર મોકલીને તે ગુમ થઇ ગયો છે.

આનંદનગરમાં આવેલ અભિનંદન સોસયાટીમાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના જ્યોતિબહેન કલ્પેશભાઇ વાણિયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમનો પુત્ર ગુમ થવા અંગે ફરિયાદ કરી છે. જ્યોતિબહેનના પતિ કલ્પેશભાઇ સુરેન્દ્રનગરમાં આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યોતિબહેનનો ૧૭ વર્ષિય પુત્ર મૌલિક ૧૨ સાયન્સની પરીક્ષા આપ્યા બાદ આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)માં એડમિશન માટે જેઇઇ એડ્વાન્સની તૈયારી કરતો હોવાથી છ મહિના પહેલાં તે સુરેન્દ્રનગરથી અમદાવાદ આવ્યાે હતાે.

ગઇ કાલે મૌલિક સવારે સાડા સાત વાગે તેનું પ્લેઝર સ્કૂટર લઇને ક્લાસીસ પર ગયો હતો. અઢી વાગ્યા સુધી મૌલિક ઘરે પરત નહીં આવતાં જ્યોતિબહેન તેને ફોન કર્યો હતો. મૌલિકે ફોન નહીં ઉપાડતાં બપોરે સવા ત્રણ વાગ્યે તેણે જ્યોતિબહેનને વોટ્સઅપ મેસેજ કરીને કહ્યુ હતું કે તે ઇન્સ્ટિટ્યૂટમાં છે. સાંજે પોણા છ વાગ્યાની આસપાસ મૌલિકે જ્યોતિબહેનને મેસેજ મોકલ્યો કે “મમ્મી હું બહાર જાઉં છું ક્યાં તે મને ખબર નથી ક્યાં જવું છે અને હું કાલે રાતે આવતો રહીશ મારી માનસિક હાલત ઠીક નથી એટલે વિચાર્યું બહાર જઇને આવું મારી પાસે પૈસા છે તો હું જમી લઇશ અને ફોન ના કરતી હું જવાબ દઇશ જ નહીં અને હું સહી સલામત જ છું આવતી કાલે આવી જઇશ”

જ્યોતિબહેને મેસેજ વાંચતાં એલેન ક્લાસીસમાં તપાસ કરાવી હતી તો ત્યાંથી જાણવા મળ્યું હતું કે મૌલિક સવા બે વાગે પંચિંગ કરીને નીકળી ગયો છે. મોડી રાતે સુધી જ્યોતિબહેન તથા તેમનાં સગા સબંધીઓ મૌલિકની તપાસ કરી પરંતુ કોઇ પત્તો નહીં લાગતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ કરી છે. આ મામલે જ્યોતિબહેને જણાવ્યું છે કે મૌલિક પાસે એક હજાર રૂપિયા હતા અને તેનું વિહિકલ મોડી રાતે કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી મળી આવ્યું છે. પોલીસમાં ફરિયાદ કરી હોવાની જાણ મૌલિકને થતાં તેણે વોટ્સઅપમાં મેસેજ લખ્યો હતો કે પોલીસ અને સંબંધીઓને ક્યાં કહેવાની જરૂર છે?

You might also like