બોક્સિંગની દુનિયાને મળી એન્જેલિના જોલી

લંડનઃ કઝાકિસ્તાનની એક બોક્સર હાલ જોરદાર ચર્ચામાં છે. એનું કારણ એ છે કે ઘણી વાર લોકો તેને હોલિવૂડની અભિનેત્રી એન્જેલિના જોલી સમજી લે છે. આ બોક્સરનું નામ છે ઝરીના સોલોવેવા. કઝાકિસ્તાનના નાનકડા ગામની ૨૨ વર્ષીય ઝરીનાએ રાષ્ટ્રીય સ્તર પર કાંસ્ય પદક જીત્યો છે અને તેને મહિલા બોક્સિંગમાં ઊભરતી પ્રતિભા તરીકે જોવામાં આવી રહી છે. ઝરીનાએ આ અંગે કહ્યું કે, ”મને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે, પરંતુ એન્જેલિના જોલી સાથે સરખામણી થવાથી હું બહુ જ ખુશ છું.” ડાબોડી બોક્સર ઝરીનાએ કહ્યું, ”હું ખોટું નથી બોલતી, હું હોલિવૂડ અભિનેત્રીને પસંદ કરું છું અને હું તેની સુંદરતાથી પ્રભાવિત છું. આખી દુનિયાની છોકરીઓ તેના જેવો લૂક કરાવવા ઇચ્છે છે, પરંતુ મને નથી લાગતું કે અમે એકસરખા દેખાઈએ છીએ. બની શકે કે અમારા બંને વચ્ચે થોડીઘણી સમાનતા હોય, પરંતુ અમે નિશ્ચિત રીતે અલગ દેખાઈ છીએ.” ઝરીનાને એન્જેલિનાની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ’ બહુ જ પસંદ છે.

ઝરીનાએ સ્વીકાર કર્યો કે જ્યારે તેણે બોક્સિંગ શરૂ કર્યું તો તેના પરિવારે તેનો સખત વિરોધ કર્યો હતો, પરંતુ તેણે કઝાક નેશનલ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતીને બધાને ખોટા સાબિત કરી દીધા. હવે ઝરીનાને આશા છે કે તે રિયો ઓલિમ્પિકમાં સ્થાન હાંસલ કરી લેશે. ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં મહિલા બોક્સિંગની રમતને પહેલી વાર સામેલ કરવામાં આવી હતી. બોક્સિંગ કોચ એલેકઝાન્ડર વિસ્તાસ્કીએ કહ્યું, ”ઝરીના સાથે પહેલી મુલાકાત મને આજે પણ યાદ છે. મેં તેને એક-બે મુક્કા મારવા માટે કહ્યું હતું. મને તરત જ ખબર પડી ગઈ કે તેનામાં ઘણી પ્રતિભા છે. પાંચ મિનિટમાં તેણે ઘણું બધું શીખી લીધું, જે ઘણા લોકો આખા વર્ષમાં પણ ના શીખી શકે. તે સુંદર હોવાની સાથે સાથે ઘણી ખતરનાક પણ છે.”

You might also like