દેશમાં વિજેન્દ્રનો પહેલો મુકાબલો ઓસ્ટ્રેલિયાના કેરી હોપ સામે

નવી દિલ્હીઃ પ્રોફેશનલ બોક્સિંગમાં સતત છ મુકાબલા નોકઆઉટ અંદાજમાં જીતી ચૂકેલાે ભારતનાે પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્રસિંહ ૧૬ જુલાઈએ દિલ્હીમાં WBO એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયનશિપમાં ઊતરશે ત્યારે તેની સામે ઓસ્ટ્રેલિયાનો કેરી હોપ ઊભો હશે. વિજેન્દ્રસિંહની ભારતમાં પહેલી પ્રોફેશનલ ફાઇનટને ‘રિટર્ન ઓફ ધ સિંહ’ નામ આપવામાં આવ્યું છે અને આ મુકાબલો ભારતની રાજધાની દિલ્હીના ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે. આ ચેમ્પિયનશિપમાં કુલ સાત મુકાબલા થશે અને વિજેન્દ્રસિંહની બાઉટ ૧૦ રાઉન્ડની હશે.

૩૦ વર્ષીયવિજેન્દ્રસિંહે ગત ઓક્ટોબરમાં પ્રોફેશનલ બોક્સિંગમાં પદાર્પણ કર્યા બાદ રમેલી બધી છ ફાઇટમાં નોકઆઉટ જીત હાંસલ કરી છે. જ્યારે તેનો હરીફ ઓસ્ટ્રેલિયાનો કેરી હોપ ભૂતપૂર્વ યુરોપિયન મિડલવેઇટ ચેમ્પિયન છે અને તેની પાસે WBC એશિયન બોક્સિંગ કાઉન્સિલનો મિડલવેઇટ ખિતાબ છે. ૩૪ વર્ષીય હોપ પોતાના ૩૦ મુકાબલામાંથી ૨૩ જીતી
ચૂક્યો છે.

વિભિન્ન રાઉન્ડના સાત મુકાબલા
ચેમ્પિયનશિપમાં યોજાનાર સાત મુકાબલામાંથી બે મુકાબલા ચાર રાઉન્ડના છે, બે મુકાબલા છ રાઉન્ડના, બે મુકાબલા આઠ રાઉન્ડના અને વિજેન્દ્રસિંહનો એક મુકાબલો ૧૦ રાઉન્ડનો હશે. ફાઇટ સાંજે છ વાગ્યાથી શરૂ થશે અને વિજેન્દ્રસિંહનો મુકાબલો રાત્રે નવ વાગ્યા બાદ થશે.

આ મુકાબલા માટે ટિકિટની કિંમત રૂ. ૧૦૦૦, ૧૫૦૦, ૨૦૦૦, ૫૦૦૦ અને ૧૫,૦૦૦ રાખવામાં આવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને આ મુકાબલાની પ્રથમ ટિકિટ આપવામાં આવી હતી. સેહવાગે કહ્યું કે અમને ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાની હંમેશાં મજા આવતી હતી અને આશા છે કે વિજેન્દ્રસિંહ પણ આવું જ કરશે. હું ૧૬ જુલાઈએ સ્ટેડિયમમાં હાજર રહીશ.

ઓલિમ્પિકમાં ઊતરવાની કોશિશ કરીશઃવિજેન્દ્રસિંહ
પ્રોફેશનલ બોક્સર્સને રિયો ઓલિમ્પિકમાં ઊતરવાની લીલી ઝંડી મળવાથી ઉત્સાહિત વિજેન્દ્રસિંહનાં રિયો ઓલિમ્પિકમાં ઊતરવાનાં અરમાન જાગી ઊઠ્યા છે અને તેનું કહેવું છે કે તે રિયોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની પૂરી કોશિશ કરશે. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતાવિજેન્દ્રસિંહે કહ્યું કે હું ફરીથી ઓલિમ્પિકમાં ઊતરવા ઇચ્છું છું. હજુ એક ઓલિમ્પિક ક્વોલિફાયર બાકી છે, જેમાં હું ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવાની કોશિશ કરીશ. ઉલ્લેખનીય છે કે અંતિમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ વેનેઝુએલાના વર્ગાસમાં તા. ૩થી ૮ જુલાઈ દરમિયાન યોજાનાર છે, જ્યારે વિજેન્દ્રસિંહનો સાતમો પ્રો મુકાબલો ૧૬ જુલાઈએ છે.

You might also like