સુરતનાં અડાજણની ઘટનાઃ બારમા માળેથી પુત્રને ફેંકી માતાની છલાંગઃ બંનેનાં મોત

અમદાવાદ: સુરતના પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા આઇટી અધિકારીની પત્નીએ પ્રથમ ૧રમાં માળેથી પુત્રને ફેંકી તેણીએ પણ છલાંગ લગાવતા બંનેના મોત થયા હતા. આ ઘટનાના પગલે એપાર્ટમેન્ટ નજીક લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતા અને અરેરાટીની લાગણી જન્મી હતી.

બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પરંતુ બનાવ પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાની વિગત એવી છે કે, સુરતના પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટના એક મકાનમાં મૂળ હરિયાણાના વતની રામનિહારે નૈન પરિવાર સાથે ભાડેથી રહે છે અને ઇન્કમટેકસમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેના પરિવારમાં પત્ની, પુત્ર અને માતાનો સમાવેશ થાય છે.

આજે વહેલી સવારે રામનિહારેના પત્ની ચંચળબહેન તેના પાંચ વર્ષના પુત્ર અલ્કેશને લઇને ૧રમાં માળે ચડી ગયા હતા. ૧રમાં માળેથી પુત્ર અલ્કેશને પહેલાં ફેંકી ત્યારબાદ ચંચળબહેને પણ પડતું મૂકતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બંને માતા-પુત્રનાં ઘટના સ્થળે જ મોત થયા હતા.

ઘટનાની જાણ થતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ અંગે તુરત જ પોલીસને જાણ કરાતા પોલીસે આવી પહોંચી બંને લાશને પી.એમ. માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે રામનિહારે અને તેની માતાની સઘન પૂછપરછ કરી નિવેદનો લીધા છે પરંતુ ઘટના પાછળનું કોઇ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. લોકચર્ચા મુજબ રામનિહારેના ઘરમાં કંકાશ હોવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

You might also like