મોદી આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, કાફલાની તપાસ કરવાની જરૂર હતી: કુરેશી

ઓડિશામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનારા આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે પૂર્વ ચૂંટણી કમિશનર ડૉ. એસ.વાય. કુરેશીએ મોટું નિવેદન આપી પીએમ મોદી પર આકરો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે અધિકારી સામે કરવામાં આવેલી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે બંધારણીય સંસ્થાઓની છબી સુધારવાનો મોકો ગુમાવી દીધો છે.

‌િટ્વટર પર પૂર્વ ચૂંટણી કમિશનર કુરેશીએ જણાવ્યું છે કે ઓડિશામાં પીએમ નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનારા અધિકારીને સસ્પેન્ડ કરી દેવા એ ફક્ત દુર્ભાગ્યપૂર્ણ ઘટના નથી, પરંતુ આપણે ચૂંટણીપંચ અને વડા પ્રધાન જેવી બંધારણીય સંસ્થાઓની છબી સુધારવાનો સૌથી શ્રેષ્ઠ મોકો પણ ગુમાવી દીધો છે.

બંને સંસ્થાઓની જનતા પ્રત્યે ઘણી મોટી જવાબદારી છે. પીએમ મોદી સતત ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને ચૂંટણીપંચ દર વખતે તેને નજરઅંદાજ કરી રહ્યું છે. કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે કાયદો દેશના તમામ લોકો પર એકસરખો લાગુ પડે છે, પછી તે વડા પ્રધાન હોય કે સામાન્ય નાગરિક. જો હેલિકોપ્ટરની તલાશી લેવાના મામલે કાર્યવાહી કરવામાં ન આવી હોત તો તેનાથી ચૂંટણીપંચ અને વડા પ્રધાન જેવી સંસ્થાઓની હાલ થઈ રહેલી આકરી ટીકાઓ અટકી ગઈ હોત, પરંતુ દુર્ભાગ્યવશ આવું થયું નથી. હવે આ બંને સંસ્થાઓની ટીકા કરવામાં આવી રહી છે.

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકના હેલિકોપ્ટરની તલાશી લેવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં કુરેશીએ જણાવ્યું કે નવીન પટનાયકની નજર સામે ચૂંટણીપંચની ટીમે હેલિકોપ્ટર ચેક કર્યું હતું. પટનાયકે તેની સામે કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપવાના બદલે આ પ્રક્રિયાનું સન્માન કર્યું હતું. તે અસલી રાજનેતા છે અને આપણે આવા જ નેતાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેવાના મામલે ચૂંટણીપંચે કર્ણાટક કેડરના આઈએએસ ઓફિસર મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી દીધા હતા. આ બાબતે પીએમઓએ દખલ કરી હતી અને ચૂંટણીપંચના અધિકારીઓ આ બાબતની તપાસ કરવા માટે ઓડિશા પણ ગયા હતા.

You might also like